Western Times News

Gujarati News

#Chandrayaan3: 42 દિવસ બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરી ભારત ઈતિહાસ સર્જશે!

ચંદ્રયાન-૩ બપોરે ૨.૩૫ કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી, ૬૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસ બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરશે

શ્રીહરીકોટા, આજે ભારતે ઈતિહાસ રચ્યો છે. ઈસરો દ્વારા આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ચંદ્રયાન-૩ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આખો ભારત દેશ આ સફળતાનો સાક્ષી બન્યો છે. આ સાથે ઈસરોના વડા એસ.સોમનાથે આ મિશન સાથે જાેડાયેલા વૈજ્ઞાનિકો તેમજ દેશના તમામ લોકોને શુભકામના પાઠવી છે.

The Indian Space Research Organisation’s (ISRO) Chandrayaan-3 mission has launched from the Satish Dhawan Space Centre in Sriharikota at 2.35 PM IST on Thursday, July 14. The lander will take nearly 42 days to complete its journey to the moon.

ચંદ્રયાન-૩ આજે બપોરે ૨.૩૫ કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી છે અને તે ચંદ્ર પર જવાના રવાના થઈ ગયું છે. આ એક ભારતની સૌથી મોટી સફળતા છે. ૬૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ ૫૦ દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ઈસરોનું આ ત્રીજું ચંદ્ર મિશન છે. હજારો લોકોની હાજરીમાં ચંદ્રયાન-૩ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન-૩ મિશન ભારતના મૂન મિશનનો મહત્ત્વનો તબક્કો અને ભાગ છે. ૨૦૦૮માં ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા મૂન મિશનનો ત્રીજાે તબક્કો છે. પહેલાં બે તબક્કામાં થયેલી ભુલો અને નડેલી મુશ્કેલીઓને સુધારીને આ વખતે ઈસરો દ્વારા ચંદ્રની ધરતી ઉપર રોવર લેન્ડર ઉતારવાની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે.

૨૨ જુલાઈ ૨૦૧૯ના રોજ ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી ઉપર મોકલવામાં આવ્યું હતું તે ૪૮ દિવસ બાદ ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થવાનું હતું. લેન્ડિંગની ગણતરીની મિનિટો પહેલાં તેનો સંપર્ક તૂટી ગયો અને તે ક્રેશ થઈ ગયું હતું. તે વખતું અધુરું રહી ગયેલું સ્વપ્ન અને અભિયાન ચંદ્રયાન-૩ દ્વારા હાલ સાકાર થતું જાેવા મળી રહ્યું છે. ચંદ્રની સપાટી ઉપર ભારતનું રોવર લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ચંદ્રયાન-૩ મિશન માત્ર ભારત માટે જ નહીં પણ દુનિયાના બાકીના દેશો માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે. ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તેમાંય અમેરિકા દ્વારા માણસોને ચંદ્ર ઉપર મોકલવાની જે તૈયારીઓ ચાલી રહી છે તેને પગલે અમેરિકાને ભારતની સફળતાની સૌથી વધારે આશા છે.

ભારતની આ હનુમાન છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન બની રહેશે. દક્ષિણ ધ્રુવની સપાટીની રચના, તેની સ્થિતિ, તેમાં રહેલા ખનીજાે, પાણીની સ્થિતિ, ઓક્સિજન, હાઈડ્રોજન, હિલિયમ વગેરેની ઉપલબ્ધતા વગેરે પણ આ મિશન થકી જાણી શકાશે.

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે ભાસ્કરને જણાવ્યું કે છેલ્લા 73 દિવસમાં મિશન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3ના અલગ-અલગ ભાગોને જોડીને સ્ટ્રક્ચર બનાવવામાં દિવસ-રાત લાગેલા છે. થોડા જ લોકોને ઘરે જવાનો મોકો મળ્યો. આ સફળ લોન્ચ તેમના સમર્પણ, બુદ્ધિમત્તા અને સખત મહેનતનું પરિણામ છે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. વીરમુથુવાલની ટીમમાં 29 સહયોગી અને ડેપ્યુટી ડિરેક્ટર હતા. 55 પ્રોજેક્ટ મેનેજર હતા. એસોસિયેટ ડિરેક્ટર કલ્પનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેથી જ ચંદ્રયાનના સફળ લોન્ચ પછી વીરમુથુવલે કલ્પનાને સ્ટેજ પર જ બોલાવી હતી. જેથી ચંદ્રયાન-3માં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહિલા વૈજ્ઞાનિકને દરેક વ્યક્તિ ઓળખી શકે.

ચંદ્રની સપાટી અને વાતાવરણનો અભ્યાસ કરવા માટેની પહેલ રશિયા દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, રશિયાએ ૧૯૫૮થી અત્યાર સુધીમાં ૩૩ વખત મૂન મિશન હાથ ધર્યા છે અને તેમાંથી ૭ વખત જ તેને સફળતા પ્રાપ્ત થઈ છે. રશિયાની સાથે તમામ બાબતે સ્પર્ધામાં રહેતા અમેરિકા દ્વારા અવકાશી સંશોધનોમાં પણ ઝડપ કરવામાં આવી હતી.

રશિયાની સફળતાને જાેઈને અમેરિકાએ મૂન મિશન શરૂ કરી દીધા હતા. તેણે અત્યાર સુધીમાં ૩૧ મૂન મિશન કર્યા છે જેમાંથી ૧૪માં તેને સફળતા મળી છે. ભારત અને અમેરિકાના કટ્ટર હરિફ ગણાતા ચીન દ્વારા પણ અવકાશી સંશોધનની કામગીરી ખૂબ જ વહેલી શરૂ કરવામાં આવી છે.

તેણે ૧૯૭૦ના દાયકામાં જ મૂન મિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. ૧૯૭૬માં ચીન દ્વારા પહેલી વખત ચંદ્ર ઉપર યાન મોકલવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ચીને સાત વખત આ પ્રયોગો કર્યા છે અને તમામમાં તે સફળ રહ્યું હોવાના દાવા કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.