Western Times News

Gujarati News

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજી

ગુજરાતમાં યોજાઇ રહેલી જી૨૦ બેઠકોમાં સહભાગી થવા આવેલા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ શ્રી અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત બેઠક ગાંધીનગરમાં યોજી હતી. World Bank President Ajay Banga held a meeting with the Chief Minister in Gandhinagar

ગુજરાત સાથેના વર્લ્ડ બેંકના સંબંધોનો સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત લાર્જ સ્કેલ પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં કાર્યાન્વીત છે તેમાં વર્લ્ડ બેંક સહાયતા માટે તત્પર હોવાનું વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ શ્રી બાંગાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, વર્લ્ડ બેંક માત્ર નાણાકીય સંસ્થાન જ નહીં પરંતુ નોલેજ બેંક પણ છે. એ સંદર્ભમાં ગુજરાત સાથે નોલેજ પાર્ટનરશીપ કરવાની દિશામાં વર્લ્ડ બેંક અને ગુજરાતના પ્રતિનિધિઓ સાથે મળીને પ્રાથમિકતા તય કરે, તેવું સૂચન તેમણે કર્યું હતું. ખાસ કરીને એનર્જી, મેન્યુફેક્ચરિંગ, સ્કીલિંગ અને કેપેસિટી બિલ્ડીંગ માટે આ પાર્ટનરશીપ ઉપયુક્ત થશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે ગ્રીન ગ્રોથ ક્લાઇમેટ રેઝીલિયન્ટ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે મહારથ મેળવી છે તેની ભૂમિકા આપી હતી. રોજગાર નિર્માણ તથા આર્થિક અને સામાજિક વિકાસ માટે આ બધા ક્ષેત્રો પર ગુજરાતે ફોકસ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આગામી વાઇબ્રન્ટ-૨૦૨૪માં આવવા માટે આમંત્રણ પણ વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટશ્રીને આપ્યું હતું.

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જે. પી. ગુપ્તા, અગ્ર સચિવ શ્રીમતી મોના ખંઘાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ વર્લ્ડ બેંકના ડેલીગેટ્સ આ બેઠકમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.