Western Times News

Gujarati News

પાટણ યુનિવર્સિટીના ખેલાડીઓની જનેતાને નાયકાદેવી પુરસ્કારથી સન્માનિત કરાશે

યુનિ.માં બનતા નવા ભવનનું નામ મહારાણી નાયકાદેવી ભવન રાખવા રજૂઆત

પાટણ, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા પાટણના મહારાણી નાયિકા દેવીના સન્માનમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્પર્ધામાં મેડલ વિજેતા ખેલાડીઓની માતાઓને નાયકાદેવી પુરસ્કારથી પુરસ્કૃત (સન્માનિત) કરવામાં આવશે. જે નિર્ણયને સમગ્ર રાજપૂત સમાજ માટે ગૌરવરૂપ બાબત હોય રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા યુનિ.ના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

યુનિ. ખાતે થોડા દિવસ અગાઉ મળેલી બોર્ડ ઓફ સ્પોર્ટસ કમિટીની બેઠકમાં કમિટી ચેરમેન શૈલેષભાઈ પટેલ અને યુનિ.ના શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગભાઈ પટેલ તેમજ કમિટી દ્વારા સર્વાનુમતે પાટણના મહારાણી નાયકા દેવીના સન્માનમાં યુનિ. અને

તેની સંલગ્ન કોલેજના જે ખેલાડીઓએ યુનિ.ની સ્પર્ધા જેવી કે વેસ્ટ ઝોન, ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિ. ખેલો ઈન્ડિયા યુનિ. ગેમમાં મેડલ પ્રાપ્ત કર્યા હોય તેવા ખેલાડીઓની માતાઓને મહારાણી નાયકાદેવી પુરસ્કારથી સન્માનિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો

ત્યારે રાજપૂત સમાજ માટે આ નિર્ણય ગૌરવ રૂપ બાબત હોય આ નિર્ણયને વધાવવા પાટણ જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે, કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લો, સિધ્ધરાજ એજયુકેશન ટ્રસ્ટ પાટણ શહેર રાજપૂત સમાજ, રાજપૂત સંગઠન,

પાટણ જિલ્લા મહાકાલ સેના, રાજપૂત કરણી સેના જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યુનિ.ના રજીસ્ટાર ડો. કે.કે. પટેલ અને યુનિ.ના શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગભાઈ પટેલનું મહારાજા સિધ્ધરાજ જયસિંહનો ફોટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

તેમજ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવા બાબતે યુનિ.ના કુલપતિ ડો. રોહિત દેસાઈનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો સાથે સાથે યુનિ.માં બનતા કોઈ નવા ભવનનું નામ મહારાણી નાયકાદેવી વન રાખવા માટે રાજપૂત સમાજ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.