Western Times News

Gujarati News

મહેસાણાના દૈનિક ર૦ ટન ભીના કચરામાંથી ગેસ દ્વારા વીજળી ઉત્પન્ન કરાશે

પ્રતિકાત્મક

ડમ્પિંગ સાઈટે રૂ.૩.૬૦ કરોડનો પ્લાન્ટ ઉભો કરવા પાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

મહેસાણા, મહેસાણા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત રૂ.૩.૬૦ કરોડના ખર્ચે ડમ્પિંગ સાઈટે બાયોમિથેનેશન કમ ઈલેકટ્રીક એનર્જી જનરેશન પ્લાન્ટ ઉભો કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. શહેરમાંથી એકઠા થતા દૈનિક ર૦ ટન જેટલા ભીના કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવી તેની મદદથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત રાજયની વડોદરા અને જૂનાગઢ એમ બે કોર્પોરેશન અને મહેસાણા નગરપાલિકામાં આ પ્લાન્ટ મંજૂર કરાયા છે. જેમાં વડોદરામાં રૂ.પ.૪૦ કરોડના ખર્ચે ૩૦ ટન ક્ષમતાનો પ્લાન્ટ, જૂનાગઢમાં રૂ.૪.પ૦ કરોડના ખર્ચે રપ ટન ક્ષમતાનો તેમજ મહેસાણા નગરપાલિકામાં રૂ.૩.૬૦ કરોડના ખર્ચે ર૦ ટન ક્ષમતાનો પ્લાન્ટ મંજૂર કરાયું છે.

કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાન્ટમાંથી બનનારા આ પ્લાન્ટ અંગે દેશભરના ૭પ પાલિકા અને કોર્પોરેશનના ઈજનેરોને ગત ર૭ અને ર૮ જૂને દેશના સ્વચ્છતા મોડેલ એવા ઈન્દોરમાં તાલીમ માટે બોલાવાયા હતા. જેમાં મહેસાણા નગરપાલિકાના એન્જિનિયર જતીન પટેલ પણ ગયા હતા.

જયાં તેમને ઈન્દોર કોર્પોરેશન સંચાલિત દૈનિક પ૦૦ ટન ક્ષમતાના કોમ્પ્રેસ ગેસ જનરેટ કરતા પ્લાન્ટની મુલાકાત કરાવાઈ હતી, વર્કશોપ, અને પ્લાન્ટની મુલાકાત કરાવી સમગ્ર પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મહેસાણા નગરપાલિકા દ્વારા રૂ.૩.૬ કરોડના ખર્ચે બનનારા આ પ્લાન્ટના ટેન્ડર માટે કન્સલ્ટન્ટ મારફત ડિટેઈલ ટેન્ડર પેપર તૈયાર કરાવાયા હતાં અને હવે એજન્સી નિમવા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મહેસાણા શહેરમાંથી દૈનિક ૧૦૦ ટન જેટલો સુકો અને ભીનો કચરો નગરપાલિકા દ્વારા એકઠો કરવામાં આવે છે. જેમાં અંદાજીત ૪૦ ટન જેટલો ભીનો કચરો હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા ર૦ ટન જેટલો ભીનો કચરો અલગ એકઠો કરીને ઉપરોકત બાયોમિથેનેશન કમ ઈલેકટ્રીક એનર્જી જનરેશન પ્લાન્ટની મદદથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પન્ન કરી

તેની મદદથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. ઉત્પન્ન થતી વીજળી વીજ કંપનીને પાવરગ્રીડમાં આપવામાં આવશે. ભીના કચરામાંથી ગેસ ઉત્પન્ન કરતા બાય પ્રોડકટ તરીકે ઉત્પન્ન થતા ખાતરનું વળતર એજન્સી નગરપાલિકાને ચુકવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.