Western Times News

Gujarati News

વલસાડના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબકતા ભારે હાલાકી

અમદાવાદ, રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં ૯ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં ૮ ઈંચ અને વલસાડના પારડીમાં ૭ ઈંચ વરસાદ પડ્યો છે.

બીજી બાજુ, વડોદરા શહેરમાં વહેલી સવારે ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર, ડોલવણ, વલસાડમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના પાદરામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, કલ્યાણપુર, વાપી, ચીખલીમાં ૩.૫ ઈંચ વરસાદ, જ્યારે ભાવનગરના મહુવામાં ૩, રાણાવાવમાં ૨.૫ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, નવસારીમાં કેલિયા ડેમ ૯૦ ટકા ભરાયો છે. કેલિયા ડેમ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગે ડેમ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે.

નીચાણવાળા ૨૩થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં કુલ ૩૦૭.૩૭ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમની સપાટી ૧૧૨.૫૫ મીટરે પહોંચી છે, ડેમ ઓવરફ્લો થવાને ફક્ત ૦.૮૫ મીટર જ બાકી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદના લીધે ડેમમાં પાણીની સારી આવક થઇ છે. કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાના ૨૩ ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ ભરાઈ જતાં એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે.

તાપીમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત છે. ઉકાઇ ડેમની જળસપાટી ૩૧૮.૭૯ ફૂટે પહોંચી છે. ડેમમાં આવક ૫૪,૯૪૬ ક્યૂસેક, જાવક ૬૦૦ ક્યૂસેક છે. રૂલ લેવલ ૩૩૩ ફુટ છે, જ્યારે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હજુ ૨ દિવસ ધોધમાર વરસાદની આગાહી છે.

આજે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આજે બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, ભાવનગરમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કાંઠામાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૬૫ ટકા વરસાદ નોંધાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.