Western Times News

Gujarati News

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા પછી ચંદ્રયાન-3ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય કયા છે જાણો છો?

જો મિશન સફળ થશે તો -ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો વિશ્વનો પ્રથમ દેશ હશે.

Chandrayaan3, ચંદ્ર ઉપર માણસે પગ મુક્યો તેના 54 વર્ષ વિતી ગયા છે. વર્ષ 1969માં 20 જુલાઇના રોજ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકીને મનુષ્ય માટે અંતરીક્ષના દ્વાર ખોલી દીધા હતા. અમેરિકાએ ચંદ્ર ઉપર મોકલેલા એપોલો 11 સેટેલાઇટના પ્રક્ષેપણ અને નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર પર ઉતરાણની 54મી વર્ષગાંઠ તાજેતરમાં ઉજવાઇ છે.

ચંદ્રયાન પાંચ વાર પૃથ્વિની પ્રદક્ષિણા ફરીને છઠ્ઠી વખતે ચંદ્ર તરફ જશે ત્યારબાદ ચંદ્રની પાંચ વખત પ્રદક્ષિણા કરીને છઠ્ઠી વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. (તસવીરમાં દર્શાવ્યુ છે)

અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASAએ મિશન મૂન હેઠળ પહેલું સેટેલાઇટ ચંદ્ર પર મોકલ્યુ હતુ. અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે. ભારતે પણ ચંદ્ર પર પહોંચવા માટે તાજેતરમાં ચંદ્રયાન-3 લોન્ચ કર્યુ.  ચાલુ સપ્તાહે ચંદ્ર પર જવા માટે ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી પસાર થવુ પડ્યુ હતું, જેવું અગાઉ ભારતીય અંતરિક્ષ સંસ્થાના ગગનયાન મિશન માટે પ્રોપલ્શન મોડ્યુલનું પરીક્ષણ કરાયુ હતું.

અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે અને ભારત પણ ત્યાં પહોંચવા સતત પ્રયત્નશીલ છે. જો આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ કરવામાં સફળ થશે તો ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બનશે. ઉપરાંત ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ હશે.

ઈસરોની વેબસાઈટ અનુસાર, ચંદ્રયાન-3ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય હશે.  એક તો ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણ  (Soft Landing) દર્શાવવાનું છે. બીજું ચંદ્ર પર રોવર કામગીરીનું નિદર્શન કરવાનું છે. અને ત્રીજો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે.

ISROની સાઇટ અનુસાર, “લેન્ડર ચંદ્રની ચોક્કસ સાઇટ પર સોફ્ટ લેન્ડ કરવાની ક્ષમતા ધરાવશે અને રોવરને તૈનાત કરશે જે તેની ગતિશીલતા દરમિયાન ચંદ્રની સપાટીનું ઇન-સીટુ રાસાયણિક વિશ્લેષણ કરશે.” જો પ્રક્ષેપણ અને મૂન લેન્ડિંગ સફળ રહેશે, તો ચંદ્રયાન-3 દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ભવિષ્યમાં ચંદ્ર સંશોધન પહેલની મોટી યોજનામાં નિર્ણાયક સાબિત થશે.

ભારતે તાજેતરમાં જ નાસાની આગેવાની હેઠળના આર્ટેમિસ એકોર્ડ પર હસ્તાક્ષર કર્યા છે, જે ચંદ્ર પરના સંશોધન માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. સમજૂતી બંને દેશો વચ્ચે સહયોગ માટેના દ્વાર ખોલશે. “ભારત શાંતિપૂર્ણ, ટકાઉ અને પારદર્શક સહકાર માટે પ્રતિબદ્ધ અન્ય 26 દેશોમાં જોડાય છે જે ચંદ્ર, મંગળ અને તેનાથી આગળની શોધખોળને સક્ષમ બનાવશે.

2024માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે સંયુક્ત પ્રયાસ શરૂ કરવાના ધ્યેય સાથે નાસા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપશે,” વ્હાઇટ હાઉસના નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.