Western Times News

Gujarati News

ગાંધીનગરઃ વિશ્વની 80 સેમિકન્ડક્ટર કંપનીઓએ સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩માં ભાગ લીધો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો ગાંધીનગર ખાતે કરાવ્યો શુભારંભ: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની પ્રેરક ઉપસ્થિતિ

દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને આપ્યું પૂરતું પ્રોત્સાહન: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતમાં સેમીકોન ઇન્ડિયાના 2023ના આયોજન તેમજ સેમિકન્ડક્ટર પોલીસીને કારણે રાજ્યમાં રોકાણ અને રોજગારીના નવા દ્વાર ખુલશે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે  મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદર્શનનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ્યુનિકેશન, ઓટોમોટીવ, હેલ્થ કેર સહિતના વિવિધ ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

એટલે જ, દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશ-વિદેશની સેમિકન્ડક્ટર ચીપ કંપનીઓ દ્વારા ગુજરાતમાં સેમીકન્ડક્ટરના સેક્ટરમાં રોકાણથી રાજ્યમાં રોજગારીના નવા દ્વારા ખુલી
રહ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩ની કોન્ફરન્સ પહેલા આ ક્ષેત્રના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા અને તેના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે,

જે આ ક્ષેત્રમાં રસરૂચિ ધરાવતા લોકો ઉપરાંત સામાન્ય નાગરીકો માટે આકર્ષણ બનશે. ગુજરાતના એન્જિનિયરીંગ તેમજ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટર ચીપ નિર્માણની જટીલ પ્રક્રિયાઓને સમજવા માટેની આ સુવર્ણ તક છે. વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનના વિવિધ સ્ટોલમાંથી સેમિકન્ડક્ટર ઉદ્યોગને લગતી તમામ માહિતી મેળવી ભરપૂર જ્ઞાન મેળવશે અને આ સોનેરી તકનો લાભ લેશે, તેવી મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઉદ્યોગ જગતના મુલાકાતીઓ માટે આ પ્રદર્શન સેમિકન્ડક્ટર ઉદ્યોગની અનુભવી વ્યક્તિઓ સાથે સંપર્કો બનાવવા, પોતાની પ્રોડક્ટને સમજાવવા, કસ્ટમર બેઝ વધારવા તેમજ તેમના ઉદ્યોગને એક નવા સેક્ટરમાં વિસ્તાર કરવા માટે નવી તકો પૂરી પાડશે. ગુજરાતના ઉદ્યોગકારોએ પણ આ પ્રદર્શનની મદદથી સેમિકન્ડક્ટર ઉદ્યોગની જરૂરિયાતોને સમજીને, માઇક્રોન ટેકનોલોજી તેમજ સેમિકન્ડકટર ઉદ્યોગને લગતી ભવિષ્યમાં ભારત તેમજ ગુજરાતમાં આવનાર અન્ય કંપનીઓના સપ્લાય પાર્ટનર બનવાની તકને ઝડપી પોતાના ઉદ્યોગનો આ વિકસતા ક્ષેત્રમાં વિસ્તરણ કરવો જોઈએ, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ચંદ્રશેખરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩ કોન્ફરન્સ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે અતિમહત્વપૂર્ણ કાર્યક્રમ છે. ગત વર્ષે આ કાર્યક્રમનું આયોજન બેંગ્લોરમાં થયું હતું, અને તેની બીજી શ્રેણીનું આ વર્ષે ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે.

ગુજરાત આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું એપી સેન્ટર બન્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકાર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નામાંકિત કંપની માઈક્રોન સાથે ૨૨,૫૦૦ કરોડના રોકાણ સાથે MoU કર્યા છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૨૧માં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા જે સપનું સેવ્યું હતું, તેને સાકાર કરવા છેલ્લા એક વર્ષમાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ ભરી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો પણ મહત્વપૂર્ણ રહ્યો છે.

આ ક્ષેત્રના વિકાસથી રોજગારીની તકોમાં પણ વ્યાપક વધારો થવાની સંભાવનાઓ છે. છેલ્લા ૫ થી ૬ વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનીક એન્જીનીયરીંગના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનું એનરોલ્મેન્ટ ઘટ્યું હતું, પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનીક એન્જીનીયરીંગના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના એનરોલ્મેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના વિઝન સાથે જોડાયેલા આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં ભારતની વૈશ્વિક પાવર હાઉસ બનવા તરફની સફરને પ્રદર્શિત કરવામાં આવશે. નાગરીકો આગામી તા. ૩૦મી જુલાઈ સુધી આ પ્રદર્શન નિહાળી શકશે.

આ પ્રદર્શનમાં ૧૫૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં વિશ્વની ૮૦ અગ્રણી કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં ૨૫ સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ કરાયો છે, જેઓ તેમની નવીનતાઓ પ્રદર્શિત કરશે અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાશે.

સેમિકોનઈન્ડિયા-૨૦૨૩માં વિશ્વના ૨૩ દેશો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના પણ સ્ટોલ છે. જે સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે રાજ્ય સરકારોના સામૂહિક પ્રયાસને દર્શાવે છે. SCL, ISRO અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર જેવી અન્ય સંસ્થાઓ પણ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત IIT બોમ્બે, IIT મદ્રાસ, BITS પિલાની, ગણપત યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓએ પણ સક્રિયપણે પ્રદર્શનમાં ભાગ લીધો છે.

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી વિભાગના સચિવ શ્રી અલ્કેશકુમાર શર્મા, ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.