Western Times News

Gujarati News

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા મચ્છરજન્ય રોગચાળાનો ભરડો

ડેન્ગ્યુના કેસમાં હજી વધારો થવાની શક્યતા
સિવિલ હોસ્પિટલમાં, જૂનમાં આઠ દર્દીઓની સરખામણીમાં જુલાઈમાં ડેન્ગ્યુના ૪૦ દર્દીઓ દાખલ થયા હતા
અમદાવાદ,સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના ૨૫ જેટલા કેસ વધ્યા હતા. ગુરુવારે અહીં ડેન્ગ્યુના ૭૪ દર્દીઓ નોંધાયા હતા, જે ગત અઠવાડિયે ૪૯ દર્દીઓ હતા. શહેરભરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમાં વધારો જાેવા મળ્યો છે, જેમાં મચ્છરજન્ય રોગ ખાસ કરીને ડેન્ગ્યુના દાખલ કેસ વધારે છે. શહેર અને રાજ્યમાં વરસાદે વિરામ લેતાં આગામી પખવાડિયામાં તેમાં વધારો થશે તેમ નિષ્ણાતોનું કહેવુ હતું. Mosquito-borne epidemic surges in Ahmedabad as rain breaks
સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, મેલેરિયાના પ્રત્યેક એક કેસની સામે ડેન્ગ્યુના ચારથી પાંચ કેસ છે. ‘છેલ્લા કેટલાક વર્ષોથી મેલેરિયા અને ચિકનગુનિયા કરતાં ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં વધારો થતાં મચ્છરજન્ય રોગની પેટર્ન બદલાઈ છે. અમારી હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓનાી હાલત સ્થિર છે અને માત્ર થોડાને જ સંભાળી જરૂરી છે’, તેમ તેમણે ઉમેર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં, જૂનમાં આઠ દર્દીઓની સરખામણીમાં જુલાઈમાં ડેન્ગ્યુના ૪૦ દર્દીઓ દાખલ થયા હતા. તેની સામે જુલાઈમાં મેલેરિયાના ૧૩ કેસ નોંધાયા હતા.
સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજીશ પટેલે આ વખતે બીમારીની ગંભીરતા થોડી ઓછી હોવાનું જણાવ્યું હતું. ‘અમારે ત્યાં લગભગ દરેક વયજૂથના દર્દીઓ આવે છે. છેલ્લા પખવાડિયામાં, કેસ લગભગ બમણા થઈ ગયા છે’, તેમ ઝાયડસ હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો. ઋષિકેશ શાહે કહ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ‘બે દિવસથી વધુ તાવ ધરાવતા દર્દીઓએ ડોક્ટરની સલાહ લેવી જાેઈએ અને સારવાર શરૂ કરી દેવી જાેઈએ. આ સીઝનમાં વાયરલ ફીવરના કેસ પણ સામે આવતા હોવાથી દર્દીઓ માટે તાવનું સાચું કારણ જાણવું મુશ્કેલ બની દાય છે.
તેથી જાે લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જ શ્રેષ્ઠ રહેશે. એપોલો હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, વરસાદની પેટર્નમાં ફેરફારની અસર મચ્છરજન્ય રોગ પર જાેવા મળી રહી છે. ‘સામાન્ય વર્ષોની સરખામણીમાં અમે આ વર્ષે પ્રમાણમાં ઝડપી વધારો જાેયો છે. અમારું માનવું છે કે, વરસાદે વિરામ લેતા તેમા વધુ વધારો થશે’, તેમ તેમણે ઉમેર્યું હતું. મેડિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એડીસ ઈજીપ્તી મચ્છરો પ્રમાણમાં સ્વચ્છ પાણીમાં પ્રજનન કરે છે અને તે ઘરો તેમજ ખુલ્લા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જાેવા મળે છે.
જેઓ બહાર કામ કરે છે તેમણે લાંબી સ્લીવના કપડા પહેરવા જાેઈએ અને મચ્છરને ભગાડતી દવાને શરીર પર લગાવવી જાેઈએ, જેથી મચ્છરને કરડતા રોકી શકાય. જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય ત્યાં નિયમિત અંતરે સફાઈ કરવી જાેઈએ’, તેમ શહેરના એક જનરલ ફિઝિશયને જણાવ્યું હતું. વાયરલ ઈન્ફેક્શન, વાયરલ ફીવર અને કંજક્ટિવાઈટિસના (આંખો આવવી) કેસ પણ વધ્યા છે. નિષ્ણાતોએ ગમે તે જગ્યાએ ન અડવાની, સાબુથી વારંવાર હાથ ધોવાની અને બિજજરૂરી રીતે આંખોને અડવાનું ટાળવાની સલાહ આપી હતી.ss1

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.