Western Times News

Gujarati News

રાજ્યની 1952 શાળાઓમાં 2.16 લાખ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે

‘વિશ્વ આદિવાસી દિવસ’ તા ૯ ઓગસ્ટ -સમગ્ર ગુજરાતમાં અંદાજે ૨૯ લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનોના ‘શૈક્ષણિક ઉત્કર્ષ’ માટે વાર્ષિક રૂ. ૭૨,૭૧૯ લાખની સહાય

ચાલુ વર્ષના આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં કુલ રૂ. ૩,૪૧૦ કરોડમાંથી રૂ. ૨,૨૯૪ કરોડથી વધુ રકમ માત્ર ‘શૈક્ષણિક ઉત્કર્ષ’ માટે

સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના ૧૪ જિલ્લામાં અંદાજે ૨૯ લાખથી વધુ આદિજાતિ સમુદાયના વિદ્યાર્થી ભાઈ- બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે શૈક્ષણિક યોજનાઓ હેઠળ વાર્ષિક રૂ. ૭૨,૭૧૯ લાખની વિવિધ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. જ્યારે રાજ્યભરની આદિજાતિની ૧,૯૫૨ જેટલી શાળાઓ-છાત્રાલયોમાં અંદાજે ૨.૧૬ લાખ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે નિવાસી શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આદિજાતિ વિકાસ મંત્રી  ડૉ.કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના માર્ગદર્શનમાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં કુલ રૂ. ૩,૪૧૦ કરોડની જોગવાઇમાંથી સૌથી વધુ રૂ.૨,૨૯૪.૨૯ કરોડની રકમ માત્રને માત્ર શૈક્ષણિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે જે સરકારની આદિવાસી શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપીના ગુણસદા સહિત ૧૪ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ૯ ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વના પરિણામે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીનાં ૧૪ જિલ્લાના આદિવાસી શહેરો-ગામોમાં વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-૨’ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ. ૧ લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે આદિવાસીઓના સર્વાંગીણ ઉત્થાન માટે યુનાઇટેડ નેશન્સ-UN ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ દ્વારા  દર વર્ષે તા.૯ ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’- `International Day of The World’s Indigenous Peoples’ તરીકે ઉજવવામાં આવે છે. આ માટે વર્ષ ૨૦૨૩માં ‘Indigenous Youth as Agents of change for Self-determination’ વિષયક થીમ નક્કી કરવામાં આવી છે.

હાલમાં આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શિક્ષણમાં સહાય આપવાના ઉદેશ સાથે કુલ ૦૮ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ ૧,૦૨,૭૯૭ વિદ્યાર્થીઓને, વિધા સાધના યોજનામાં ધોરણ ૯ના ૩૮,૨૩૭ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય, ૨૯,૬૫૬ને ફૂડ બિલ સહાય, ૧,૮૫,૬૩૮ને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, તબીબી અને ઇજનેરીના ૧,૫૫૦ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક સાધન સહાય, ITIના ૧૦,૮૬૭ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ ૧૩,૦૭,૨૩૪ને ગણવેશ સહાય એમ કુલ ૨૯.૮૩ લાખથી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનોને વાર્ષિક રૂ.૭૨,૭૧૯ લાખની વિવિધ શૈક્ષણિક યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી છે.

ગુજરાતમાં ૧૮ ટકા વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ અંતર્ગત ૫,૮૮૪ ગામોમાં આદિજાતિ સમુદાયના નાગરિકો નિવાસ કરે છે. આ સમુદાયના વિદ્યાર્થી ભાઇ-બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્યભરમાં કાર્યરત ૪૪ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)માં ૧૪,૬૨૦ અને ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ૧૫,૧૨૧ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત બે સૈનિક સ્કૂલમાં ૭૯૦, વિવિધ ૧૨ મોડેલ સ્કૂલમાં ૫,૫૨૦ રાજ્યની ૭૫ આદર્શ નિવાસી શાળાઓમાં ૧૧,૭૦૦ જ્યારે ૧૭૫ સરકારી છાત્રાલયોમાં ૧૯,૩૪૦, ગ્રાન્ટ ઇન એઇડ ૯૨૦ છાત્રાલયોમાં ૫૦,૫૬૬, વિવિધ ૨૦ સમરસ છાત્રાલયોમાં ૩,૯૦૦ જ્યારે રાજ્યની ૬૬૧ આશ્રમ

 

શાળાઓમાં ૯૬,૭૦૦ એમ કુલ ૨,૧૬,૦૦૦ વિદ્યાર્થીઓ વિવિધ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

આદિજાતિ વિદ્યાર્થીઓના ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપનાં સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા NEET,JEE Mains તેમજ JEE Advanceના કોચિંગ માટે સહાય આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૨૩માં  ૫૯૨ આદિજાતિ વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET જ્યારે IIT  જેવી ઉચ્ચ ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટેની JEE Mainsમાં ૮૩ અને JEE Advance પરીક્ષામાં છ વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટે લોન યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૮ આદિજાતિ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે.

આમ,ગુજરાતના છેવાડાના આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાઓ થકી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, રહેવા માટે સુવિધાયુક્ત હોસ્ટેલ, વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન, સાયકલ સહાય, ગણવેશ સહાય, શૈક્ષણિક સાધન સહાય તેમજ રાજ્ય – કેન્દ્ર પુરસ્કૃત વિવિધ શિષ્યવૃત્તિ આપીને સાચા અર્થમાં શિક્ષણ માટે પ્રેરિત કરવાનો ‘શિક્ષણ યજ્ઞ’ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો આદિજાતિ વિસ્તારના છેવાડાના લાખો વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહભેર લાભ લઈને તેમની અને ગુજરાતની આવતીકાલ ઉજ્જવળ બનાવી રહ્યા છે જે અન્ય માટે પ્રેરણાસ્રોત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.