Western Times News

Gujarati News

છેલ્લા 9 વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઈ

પ્રતિકાત્મક

88 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઉભી રહી રાજ્ય સરકાર-ખેડૂતોને પાક-નુકશાની સહાયમાં સંપૂર્ણ પારદર્શકતા: અસરગ્રસ્ત ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધા નાણાં જમા

વાવાઝોડા, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી અને જમીન ધોવાણ જેવી કુદરતી આફતોમાં ધરતીપુત્રને સહાય થકી બળ પુરુ પાડ્યું

ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે, વર્ષ 2015-16 થી અત્યારસુધીમાં કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ચૂકવાયેલી સહાયની રકમનો આંકડો આ વાતનો પુરાવો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 2015-16 થી લઈને વર્ષ 2023-24 સુધીમાં કુદરતી આફતમાં થયેલા પાક નુકશાનીમાં રાહત આપવા 88.76 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. 10,532 કરોડથી વધુ રકમની આર્થિક સહાય ચૂકવી છે.

એ સર્વવિદિત છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કાર્યરત છે, પણ કમનસીબે અનેકવાર અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, વાવાઝોડું કે માવઠા જેવા કુદરતી પરિબળોના કારણે  કિસાનોએ વ્યાપક પ્રમાણમાં પાક-નુકશાની સહન કરવી પડી છે. જો કે, આવા કપરા સંજોગોમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઉભી રહી છે.

જો વિગતવાર જોઈએ તો, વર્ષ 2015-16માં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે 1,82,041 ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થયું હતું. આ નુકશાનીની સહાય પેટે સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને રૂ. 279.22 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. તે જ રીતે વર્ષ 2017-18માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં 7,69,570 ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને આ નુકશાની  પેટે રૂ. 1,706. 60 કરોડની રકમ સહાય તરીકે ચૂકવી હતી.

બીજા જ વર્ષે એટલે કે વર્ષ 2018-19 માં પણ ભારે વરસાદ,પૂર અને દુષ્કાળ જેવી આફતોમાં 17,59,614 ખેડૂતોને રાજ્ય સરકારે રૂ.1,678.09 કરોડની રકમ સહાય પેટે ચૂકવી. તે જ રીતે વર્ષ 2019-20માં પણ કમોસમી વરસાદના કિસ્સામાં 33,18,097 ખેડૂતોને કૃષિ સહાય પેકેજ તરીકે રૂ. 2,489.58 કરોડની સહાય ચૂકવવામાં આવી.

વર્ષ 2020-21 પણ બાકાત ન હતું. આ વર્ષમાં ભારે વરસાદ, પૂરના પગલે રાજ્યના 19,03,575 ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું. જેની સહાય પેટે સરકાર દ્વારા રૂ.2,905.97 કરોડની ચૂકવણી કરવામાં આવી. વર્ષ 2021-22માં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો.

વાવાઝોડાથી થયેલા નુકશાનના પગલે રાજ્યના 7,67,330 ખેડૂતોને બે તબક્કામાં રૂ. 1,240.58 કરોડની સહાય ચૂકવવામાં આવી. વર્ષ 2022-23 માં પણ રાજ્યએ અતિવૃષ્ટીનો સામનો કરવો પડ્યો.  અતિવૃષ્ટીના કારણે 1,38,691 ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો.

આ સ્થિતિમાં રાજ્ય સરકારે રૂ. 147 કરોડની સહાય ચૂકવી. વર્ષ 2023-24માં પણ કમોસમી વરસાદની સ્થિતિમાં 37,045 ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરીને 85.49 કરોડની સહાય ચૂકવી.

આમ, છેલ્લા 9 વર્ષના સમય-ગાળામાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં ગુજરાત સરકાર ધરતીપુત્ર સાથે ખભેખભા મિલાવી ઉભી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.