Western Times News

Gujarati News

5 વર્ષ સુધીની વયના 51 હજાર બાળકો અને ૭,૨૭૮ સગર્ભાઓનુ રસીકરણ કરાશે

સમજદારી દાખવો .. આપના બાળકનું રસીકરણ કરાવો -આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0” નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ ૭ થી ૧૨ ઓગષ્ટ, ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને ૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે

અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં ૯.૧૬ લાખ નિયત વયજૂથના બાળકો અને ૨.૧૪ સગર્ભાઓનુ સફળ રસીકરણ કરાયું છે

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષ ના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.

મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ કરાવતા મંત્રી શ્રી એ રાજ્યની સગર્ભાઓ તેમજ ૦-૫ વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી રસીકરણ અચૂકપણે કરાવવા મંત્રી શ્રીએ અપીલ કરી હતી.

આ રસીકરણ અભિયાન હેઠળ ૦ થી ૫ વર્ષ સુધીની વયના અંદાજીત ૫૦,૯૦૦ બાળકો અને ૭,૨૭૮ સગર્ભાઓનુ રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ ૭ થી ૧૨ ઓગષ્ટ, ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને ૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા,ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા,રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને  રુબેલા જેવા ૧૧ રોગો સામે રોગપ્રતિરોધક  રસી આપવામાં આવે છે.

અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં ૯.૧૬ લાખ નિયત વયજૂથના બાળકો અને ૨.૧૪ સગર્ભાઓનુ સફળ રસીકરણ કરાયું છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંતભાઇ પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાધેલા ,  આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.