Western Times News

Gujarati News

જેતલપુર ખાતે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું

દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ખાતે પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી મોના ખંધાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેની ઉપસ્થિતમાં મેરી માટી, મેરા દેશકાર્યક્રમની ઉજવણી

શિલાફલકમના નિર્માણ થકી આપણે આપણા વીર જવાનો અને તેમના બલિદાનને યાદ કરીને તેમને વંદન કરી રહ્યા છીએ, આઝાદીના પર્વની ખરી ઉજવણી છે :- શ્રી મોના ખંધાર

જિલ્લાના કુલ 158 ગામોમાં મારી માટી, મારો દેશપર્વ ઉજવાયું

દેશભરમાં 9 મી ઓગસ્ટથી શરૂ થયેલા ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ જનઅભિયાનમાં અનેકવિધ કાર્યક્રમોમાં ઠેર ઠેર લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે. અમદાવાદ જિલ્લાના ગામોમાં પણ શિલાફલકમ અનાવરણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, તિરંગા યાત્રા, ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામે પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી મોના ખંધાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેની પ્રોત્સાહક ઉપસ્થિતમાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ‘માટી કો નમન, વીરો કો વંદન’ સૂત્ર સાથે ઉજવવામાં આવેલા કાર્યક્રમમાં દેશના વીર જવાનોના બલિદાનને વંદન કરતી શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, વસુધા વંદન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, આજે દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે આપણે સૌ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આજે વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થામાં આપણો દેશ પણ સમાવિષ્ટ થયો છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ’ સૂત્રને સાર્થક કરતા આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓના સુચારું સંચાલન થકી છેવાડાના માનવી સુધી વિકાસને પહોંચાડવામાં સફળ રહી છે.

વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશની આઝાદીથી લઈને આજ દિન સુધી દેશને આ મુકામ સુધી પહોંચાડવામાં અનેક ક્રાંતિકારીઓ અને વીર જવાનોએ શહીદી વહોરી છે.  ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત શિલાફલકમના નિર્માણ થકી આપણે આપણા વીર જવાનો અને તેમના બલિદાનને યાદ કરીને તેમને વંદન કરી રહ્યા છીએ, આઝાદીના પર્વની આ ખરી ઉજવણી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ 11 ઓગસ્ટના રોજ અમદાવાદના કુલ 158 ગામોમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી થઈ હતી. જિલ્લામાં કુલ 9 ગ્રામ પંચાયતો, 67 શાળાઓ, 17 અમૃત સરોવરો, 61 તળાવો અને 1 મંદિર પર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ગામોમાં કળશયાત્રા, તિરંગાયાત્રા, વૃક્ષારોપણ, પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમોમાં શાળાના બાળકો સહિત આબાલવૃદ્ધ સૌ કોઈએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.