Western Times News

Gujarati News

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-પાઘપૂજાનો પ્રારંભ

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ-દેશભરમાંથી આવેલ ભાવિકો વચ્ચે શ્રાવણ રૂપી શિવોત્સવની શુભ શરૂઆત

સોમનાથ મહાદેવના સાનિધ્યે સમગ્ર શ્રાવણ માસ સુધી ચાલનાર મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ

શ્રાવણના પ્રથમ દિવસે મહાદેવની ધ્વજાપૂજા, પાઘપૂજા, મહામૃત્યુજય યજ્ઞ, સવાલક્ષ બિલ્વપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો નો શુભારંભ..

ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની રત્નાકર સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તિમય વાતાવરણમાં શરૂઆત થઇ ચુકી છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના મનોરથ સાથે સોમનાથ પહોચી રહ્યા છે. વેહલી સવારે 5:30 વાગ્યે મંદિરના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી રહ્યો છે.

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જઈ રહ્યો છે ત્યારે યાત્રીઓને વધુ સુલભ દર્શન થઈ શકે તે દિશામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય અધ્યક્ષશ્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સતત કાર્યરત છે.

તેમના કરુણામય માર્ગદર્શનમાં દર્શને આવનાર વૃદ્ધ અને દિવ્યાંગ યાત્રીઓને વધુમાં વધુ સરળ અને સુચારુ દર્શન વ્યવસ્થા આપીને તેમના દર્શન નો અનુભવ ઉત્તમ થઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલ્ફ કાર્ટ, વ્હીલ ચેર, લિફ્ટ,સહાય કેન્દ્ર તથા કોઈ યાત્રી સોમનાથથી ભૂખ્યા ન જાય અને ભોજન મહાપ્રસાદ ટ્રસ્ટ ના અન્નક્ષેત્રખાતે થી મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારની અનેકવિધ યાત્રી કેન્દ્રિત સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈના સતત માર્ગદર્શનમાં સક્રિય પણે અમલમાં મુકવામાં આવી છે.

મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.  સોમનાથ મહાદેવના સાનિધ્યે સમગ્ર શ્રાવણ માસ સુધી ચાલનાર મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબ, ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સાથે ટ્રસ્ટ પરિવાર તેમજ ભાવિકો જોડાયા હતા.

મહામૃત્યુંજય યજ્ઞમાં સોમનાથ દર્શને આવનાર દરેક શિવભક્ત યજ્ઞ આહુતી આપી સોમનાથ મહાદેવના સાનિધ્ય યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે તેવુ વિશેષ આયોજન શ્રાવણ પર્યન્ત કરવામાં આવેલ છે.

સોમનાથમાં શ્રાવણ પર્વે માસની શરૂઆત સોમનાથ મહાદેવને ટ્રસ્ટ દ્વારા ધ્વજાપૂજાથી કરવામાં આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબ, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ધ્વજાપુજન, પાઘપૂજન કરવામાં આવેલું પાઘ અને ધ્વજાજીની પરિસરમાં ભવ્ય શોભાયાત્રા નિકળેલી હતી, જેમાં ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ અને યાત્રીકો જોડાયા હતા.

સાથે જ શ્રાવણ માસ દરમ્યાન યાત્રીકો દ્વારા નોંધાવવા આવતી સવાલક્ષ બિલ્વપૂજનનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં પ્રતિનિધિ સ્વરૂપ ભુદેવો શ્રાવણમાસ પર્યન્ત બિલ્વાર્ચન કરશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ આવનાર યાત્રીઓને નિવેદન કરે છે કે યાત્રી સારી રીતે દર્શન કરી શકે તે માટે ગોઠવવામાં આવેલ વ્યવસ્થાઓમાં સહયોગ કરે. તેમજ તીર્થને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.