Western Times News

Gujarati News

ચાંદખેડામાં ટ્રાફિક પોલીસ અધિકારી પર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે ગુનેગારો બેફામ બની ગયા છે શહેરમાં હાલ ટ્રાફિક નિયમનના પગલે રસ્તા પર પાર્ક કરેલા વાહનો ટ્રોઈંગ કરવામાં આવી રહયા છે જેના પગલે અનેક સ્થળો પર પોલીસ સાથે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે અમદાવાદ શહેરમાં પાર્કિગના અભાવે લોકો રસ્તા પર જ પોતાના વાહનો પાર્ક કરતા હોય છે જેના પરિણામે ટ્રાફિકજામ સહિતની સ્થિતિ  સર્જાતી હોય છે.

ગઈકાલે શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક્ટિવા  ટ્રોઈંગ કરવાના મુદ્દે ઘર્ષણ થયું હતું જેમાં ચાર શખ્સોએ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ તથા ક્રેઈનના કર્મચારીઓ પર હુમલો કરતા સનસનાટી મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં પરંતુ પોલીસ આવે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે ટ્રાફિક નિયમનના પગલે શહેરમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો ટ્રોઈંગ કરવામાં આવી રહયા છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ન્યુ સી.જી.રોડ પર ગઈકાલે એલ.ડીવીઝનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઈ વસાવા ક્રેઈન લઈને પહોંચ્યા હતાં તેમની સાથે ક્રેઈનમાં ચાલક સલીમ તથા કરીમ પઠાણ, મેહુલ, રફીક તથા અલ્તાફ નામના યુવકો ફરજ પર હાજર હતાં ઉક્કડભાઈ ક્રેઈન લઈને ન્યુ સી.જી.રોડ પર સર્જન ટાવર પાસે શ્રીનાથજી ઓટો મોબાઈલ નામની દુકાન નજીક પહોંચ્યા હતાં આ દરમિયાન રસ્તા પર એક એક્ટિવા પાર્ક થયેલુ જાવા મળ્યુ હતું જેના પગલે ઉક્કડભાઈએ ક્રેઈન પર હાજર કર્મચારીઓને એક્ટિવા ટ્રોઈંગ કરવા માટે જણાવ્યું હતું.

એક્ટિવા ટ્રોઈંગ કરવાની કામગીરી પૂર્ણ થઈ જતાં એક શખ્સ દોડી આવ્યો હતો અને તેણે ઉક્કડભાઈ સાથે તથા ક્રેઈનમાં હાજર કર્મચારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો વાતાવરણ ઉગ્ર બની જતાં લોકોનુ ટોળુ ભેગુ થઈ ગયું હતું આ દરમિયાનમાં સ્થળ પર જ એક્ટિવાને ક્રેઈન પરથી નીચે ઉતારવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ઉક્કડભાઈ ક્રેઈન લઈને આગળ મોટેરા રોડ પર જવા નીકળ્યા હતાં

આ દરમિયાનમાં આ શખ્સ એક્ટિવા પર અન્ય એક શખ્સને બેસાડી ક્રેઈનની આગળ આવી પહોંચ્યો હતો અને ક્રેઈનને અટકાવી હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો આ દરમિયાનમાં આ શખ્સના અન્ય બે સાગરિતો પણ આવી પહોંચ્યા હતા અને તેમણે ઉક્કડભાઈ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો આ દરમિયાનમાં ક્રેઈનના કર્મચારીને પાઈપ મારતા કરીમ પઠાણને ઈજાઓ પહોંચી હતી આ ઘટનાના પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો. ક્રેઈનના એક કર્મચારીએ ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગી હતી.

પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ થતાં ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર રવાના થયા હતા જાકે પોલીસ અધિકારીઓ આવી પહોંચે તે પહેલા આ ચારેય શખ્સો ભાગી છુટયા હતાં આરોપીઓને ઝડપી લેવા માટે સીસીટીવી કુટેજ મેળવવામાં આવી રહયા છે. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.