Western Times News

Gujarati News

ગોકળદાસ પટેલ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના ખમીરવંતા ગુજરાતી

વીરોને વંદન, માટીને નમન-સ્વાતંત્ર સંગ્રામમાં ગાંધી અને સરદારને જીવનપર્યંત સાથ આપનાર ગરવા ગુજરાતી એટલે માસ્તર ગોકળદાસ પટેલ

ગોકળદાસને પકડવા ગયેલા પોલીસ અધિકારીએ જ તેમને ધરપકડની બચવાનો ઉપાય સૂચવ્યો-

ગાંધીજીની ભુલાયેલી લાકડી લેવા ચાલુ ટ્રેનમાંથી ભૂસકો મારનાર ગોકળદાસ

ગોકળદાસજીના શાંતિ પ્રયાસો અને પુરુષાર્થના સન્માનમાં ગામનું નામ ગોકળદાસજીના નામ પરથી ગોકુલપુરા રાખવાનું નક્કી કર્યું.

અમદાવાદ અને ગાંધીનગરની સરહદ પર આવેલું એક નાનકડું ગામ જેનું નામ છે ગોકુળપુરા. આ ગામનું નામ જેમના નામ પરથી પડ્યું છે એવા ગોકળદાસ પટેલ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખમીરવંતા ગુજરાતી ક્રાંતિકારીઓ પૈકી એક સુશિક્ષિત અને નખશીખ પ્રામાણિક સજ્જન, જેઓ સ્વાતંત્ર્ય સેનાનીને અપાતા પેન્શનને પણ લાંચ ગણતા હતા.

અડાલજ નજીક આવેલા જમિયતપુરા ગામે ૧૯૦૪માં તેમનો જન્મ થયો. ૧૯૨૬માં બાર વર્ષની ઉંમરના ગોકળદાસ પોતાના મિત્રો સાથે સાબરમતી નદીમાં ન્હાવા આવતા હતા. સાબરમતીને કાંઠે જ ગાંધીજીનો આશ્રમ આવેલો હોવાથી એક વખત જિજ્ઞાસાવશ તેઓ આશ્રમની મુલાકાતે ગયા હતા.

એ વખતે ગાંધીજી પૂજા કરી રહ્યા હતા અને કસ્તુરબા શાક સમારી રહ્યા હતા. પૂજા પૂરી કરીને ગાંધીજીએ તેમને આચમન આપ્યું અને નાનકડા ગોકળદાસને પૂછ્યું કે, તારે અહીંયા રહેવું છે? પરંતુ ત્યારે ગોકળદાસને આઝાદી કે ગાંધીજી સાથે કોઈ નિસ્બત નહોતી.

૧૯૨૮માં ગાંધીજી સાથે તેમની બીજી મુલાકાત સાબરમતી સ્ટેશન પર થઈ. ગાંધીજી બહારગામથી આવ્યા હતા. ગાંધીજી જે ટ્રેનમાં હતા તે ટ્રેન શરૂ થતા ગાંધીજીને યાદ આવ્યું કે લાકડી ટ્રેનમાં છૂટી ગઈ. ગાંધીજીની લાકડી ટ્રેનમાં રહી ગઈ તેવું સાંભળતા જ ગોકળદાસ ચાલુ ટ્રેનમાં ચઢી ગયા અને લાકડી લઈને ચાલુ ટ્રેનમાંથી જ ભૂસકો માર્યો. એ વખતે ગાંધીજી તેમને ઓળખી ગયા હતા.

વર્ષ ૧૯૨૯માં અડાલજ ખાતે સરદાર પટેલની એક સભા હતી. એ વખતે ભારતીયોને અંગ્રેજોની નોકરી છોડાવવાનું બીડું તેમણે ઝડપ્યું હતું. સરદાર પટેલે સભામાં હાજર પોલીસ પટેલોને રાજીનામા લખાવી લેવા કાગળ લાવવાનું કહ્યું હતું. પરંતુ સભામાંથી કોઈ ઊભું ન થયું એટલે ગોકળદાસ ઊભા થઈને તુરંત જ કાગળોનો થોકડો લઈને આવ્યા અને સરદારે બધાનાં રાજીનામાં લઈ લીધાં. આ પગલુ અંગ્રેજો માટે ઝટકા સમાન હતું. આમ, ગાંધીજીની અહિંસક લડત અને સરદાર સાહેબનાં ચોટદાર પ્રવચનોએ ગોકળદાસજીને આઝાદી માટે જીવન ખપાવી દેવાની પ્રેરણા પુરી પાડી.

યુવાન ગોકળદાસને શિક્ષક બનવું હતું. જેથી તેઓ બાપુને મળ્યા અને આગળ ભણવા માટે નાણાંની ભીડ હોવાનું કહ્યું. ગાંધીજીએ વિદ્યાપીઠમાંથી તેમને શિષ્યવૃત્તિ અપાવી. ૧૯૩૨માં  તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી પોતાના ગામ જમિયતપુરાથી શિક્ષણકાર્ય શરૂ કર્યું હતું.

આ તરફ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી. કલોલ નજીક આવેલા શેરથા ગામે જન્માષ્ટમીનો મેળો હતો. મેળાના બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસ કુમક હાજર હતી. પરંતુ મેળામાં પોલીસ સાથે ઘર્ષણ થતા લોકોએ ૧૬ પોલીસકર્મીઓને રહેંસી નાંખ્યા. જેના આરોપીઓમાં ગોકળદાસનું પણ નામ હતું. આંદોલન વેગથી આગળ વધી રહ્યું હતું. અહિંસક આંદોલન કરનારને અંગ્રેજો હિંસાપૂર્વક કચડી નાખતા હતા. ગોકળદાસથી આ સહન થયું નહીં.

ગોકળદાસે જોરાભાઈ વકીલ સહિતના તેમના સાથીઓ સાથે મળીને અંગ્રેજોને પાઠ શીખવવાનો નિર્ણય કર્યો. જોકે, હિંસા ન થાય તેવી રીતે ત્રણ મિત્રોએ યોજના મુજબ દેશી બોમ્બ બનાવીને આઠ બોમ્બ રેલ્વે ક્રોસિંગ પાસે ગોઠવ્યા હતા. ગુડ્સ ટ્રેન આવતાની સાથે ટ્રેનની ગરમીને કારણે બોમ્બ સળગી ઊઠ્યા અને ગણતરીની મિનિટોમાં ટ્રેનના દસ ડબ્બા ઊંધા પડી ગયા.

બે મોટા બનાવ પોલીસ દફતરે નોંધાયા બાદ પોલીસ રાત-દિવસ ગોકળદાસને શોધતી રહી. પરંતુ ભૂગર્ભ પ્રવૃત્તિમાં માહેર ગોકળદાસ હાથ લાગતા ન્હોતા. પરંતુ ઘર ફૂટે ઘર જાય તે કહેવત અનુસાર ગોકળદાસનો જ એક શિષ્ય જે પોલીસના બાતમીદાર તરીકે કામ કરતો હતો, તેણે માહિતી આપી કે ગોકળદાસ ખાડિયાના મકાનમાં આવ્યા છે. બસ પછી તો થોડી જ વારમાં પોલીસે મકાનને ઘેરો ઘાલી તેમની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ સ્વાતંત્ર્ય સેનાની સામે કાર્યવાહી કરતા ડી.એસ.પી. બાબુભાઈ શાહ સમક્ષ ગોકળદાસને રજૂ કર્યા ત્યારે ચમત્કાર થયો ડી.એસ.પી શાહે ગોકળદાસને સરદાર પટેલ સાથે જોયા હતા. તેઓ સરદાર સાહેબથી ખૂબ પ્રભાવિત હતા. ખુદ તેમણે જ આ ચુંગાલમાંથી છૂટવાની છટકબારી ગોકળદાસને બતાવી હતી.

જોકે, ૧૯૪૨માં તેમણે અન્ય ક્રાંતિકારીઓની સાથે જેલવાસ ભોગવ્યો અને ત્યાર બાદ અવારનવાર દેશની આઝાદીને ખાતર જેલમાં ગયા. વ્યવસાયે શિક્ષક ગોકળદાસ ખરા અર્થમાં કેળવણીકાર હતા. જેની જીવંત સાબિતી છે અડાલજ નજીક આવેલું ગોકુલપુરા ગામ. તેઓ માસ્તર ગોકળદાસ તરીકે જ જાણીતા હતા.

૧૯૪૨ની આ વાત છે કે જ્યારે ગોકળદાસજી અજ્ઞાતવાસમાં હતા. ત્યારે તેમના મિત્ર શંકરભાઈ ઠાકોરે જમિયતપુરામાં વસતા ઠાકોર સમાજનાં બે જૂથો વચ્ચે ચાલતા મોટા ઝઘડા વિશે વાત કરી. પોતાની સૂઝબૂઝ વાપરી ઠાકોર સમાજના આગેવાનોને સમજાવ્યા અને એક જૂથના સભ્યોને જમિયતપુરાથી દૂર પોતાની જમીન પર વસાવ્યા. ગોકળદાસજીએ અહીંયા પણ કુનેહ વાપરી.

અમદાવાદના તે વખતના રિચી રોડને પહોળો કરવામાં આવતા ત્યાંથી નીકળેલું કેટલુંક બાંધકામ અને રાચ-રાચીલું ત્યાં પહોચાડ્યું અને એક સુંદર મજાની વસાહત ઊભી કરી. ગોકળદાસજીના શાંતિ પ્રયાસો અને પુરુષાર્થના સન્માનમાં ગામનું નામ ગોકળદાસજીના નામ પરથી ગોકુલપુરા રાખવાનું નક્કી કર્યું. સદાય નિરાભિમાનીભાવે વર્તતા ગોકળદાસજીને તે મંજૂર ન હોવા છતાં ગામલોકોની લાગણી અને આગ્રહવશ ગામનું નામ ગોકુળપુરા રાખવામાં આવ્યું. (તસવીરમાં નીચે)

આમ, આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ ગોકળદાસજીનું સમગ્ર જીવન દેશને સમર્પિત રહ્યું. તેમણે આજીવન એક સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષક તરીકે ઓળખાવવાનું પસંદ કર્યું હતું. આખરે બીજી જુલાઈ ૨૦૦૨ના દિવસે તેમણે નશ્વર દેહને છોડી અનંતની યાત્રા પકડી. તેમના અવસાનના ૨૧ વર્ષ બાદ આજેય ગોકળદાસજી જીવંત છે…

તેઓ જીવંત છે તેમના સંતાનોના સંસ્કારોમાં, તેઓ જીવંત છે ગોકુલપુરા ગામના લોકોની એકતામાં… તેઓ જીવંત છે સ્વતંત્ર ભારતના નાગરિકો દ્વારા લેવાતા દરેક શ્વાસમાં…

– વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.