Western Times News

Gujarati News

ભાવનગરથી શ્રદ્ધાળુઓને લઈને ગંગોત્રી જવા નીકળેલી બસને અકસ્માતઃ 7 મોત

ગંગોત્રી હાઈવે પર ગુજરાતી શ્રધ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં પડીઃ ૭નાં મોત-૨૭ નાગરિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

ઉત્તરકાશી, ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ભરેલી એક ખાનગી બસ ઉત્તરાખંડમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અચાનક જ ખીણમાં પડી જતાં ૭ શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યા હતાં. જ્યારે ૨૭થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.

બસ ખીણમાં ખાબકતાં જ આસપાસનાં લોકો દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ અધિકારીઓને પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને બચાવ રાહત કામગીરી શરૂ કરી હતી. એક પછી એક તમામ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે ૭ મૃતદેહોને બહાર કઢાયાં છે.

મોડીસાંજે બનેલી આ ઘટનાના પગલે બચાવ કામગીરીમાં થોડો વિક્ષેપ પડ્યો હતો. આ ગોજારા અકસ્માતમાં એક વ્યક્તિ લાપતાં હોવાનો પણ જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરથી આ ખાનગી બસ પ્રવાસીઓને લઈ નીકળી હતી. મૃતકોની ઓળખ માટે કામગીરી ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે રવિવારે સાંજે એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ૭ લોકોનાં મોત થયા છે. ૨૭ લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. બસમાં ભાવનગરના ૩૧ મુસાફરો સવાર હતા. ભાવનગરની શ્રી ટ્રાવેલ્સની બસ ત્યાં ગઈ હતી.

ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ ૧૦૦ મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

રાજ્યના રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓનાં મૃત્યુ થયા છે અને ૨૭ જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જાેડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા ૩૩ જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા

અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્‌વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું – અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ, ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન ૦૭૯ ૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.