Western Times News

Gujarati News

ગૌશાળા-પાંજરાપોળના સંચાલન માટે મહત્તમ ૩ હજાર પશુની મર્યાદામાં સહાય આપશે

એક જ રજિસ્ટ્રેશન ધરાવતી પાંજરાપોળ-ગૌશાળાને એક કરતાં વધુ સ્થાને  સહાય મેળવવા માટેની અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશેઃ નાણાં સહાય DBTથી અપાશે

ગૌશાળા-પાંજરાપોળોના સ્વાવલંબન માટે રૂ. ૨.૫૧ કરોડની સહાયના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.

રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ ૩ હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.૩૦ પ્રમાણે સહાય અપાશે.

આ ઉપરાંત સહાય મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા પણ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ હવે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આવી સહાયની રકમ જે તે સંસ્થાને DBTથી સીધી જ તેના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે.

સમસ્ત મહાજન દ્વારા રાજ્યની ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન માટે રૂ. ૨.૫૧ કરોડની સહાયના ચેક અર્પણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમારોહમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, જીવદયાના કાર્યોથી લઈને છેવાડાના નાનામાં નાના માનવીના વિકાસ સુધીની વિવિધ યોજનાઓમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનભાગીદારી-પીપીપીના મોડલ દ્વારા વિકાસની રાજનીતિની ગતિ વધુ વેગવંતી બનાવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દરેક યોજનામાં જન-જન કઈ રીતે જોડાય તેનો સફળ આયામ વડાપ્રધાનશ્રીએ આદર્યો છે.

નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ વિધાનસભાના ઉપદંડક શ્રી જગદીશ મકવાણા સહિત સમગ્ર રાજ્યની ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો આ ગૌરવશાળી સમારોહના સાક્ષી બન્યાં હતાં.

મુખ્યમંત્રીશ્રીએ અબોલ પશુઓની સારસંભાળ અને રખરખાવ કરતી આવી સેવા સંસ્થાઓના સારા કાર્યોમાં સરકાર યોગ્ય મદદ-સહાયથી પડખે ઊભી રહેવા તત્પર છે તેવા વિશ્વાસ આપ્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય સુધારવા પ્રાકૃતિક ખેતીથી બેક ટુ બેઝિકનું આગવું વિઝન આપ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતરથી ઉત્પન્ન થતાં અનાજથી મુક્તિ સાથોસાથ પશુધનની પણ સારી રીતે માવજત થઈ શકશે.

વડાપ્રધાનશ્રીએ રોજબરોજની જીવનશૈલીમાં પણ પર્યાવરણ જાળવણીના ધ્યેય સાથે મિશન લાઈફનો વિચાર આપ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ મહાજનોને જીવદયાના તેમના સેવાકાર્ય સાથે પાણી બચાવવું, વીજળીનો કરકરસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ વડાપ્રધાનશ્રીએ જિલ્લે-જિલ્લે ૭૫ અમૃત સરોવર બનાવવા આપેલા આહવાનમાં પણ સહભાગી થવા અનુરોધ કર્યો હતો. દેશના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત આવા કાર્યોથી અગ્રેસર રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગૌશાળા-પાંજરાપોળોને સમયસર સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ભગવાન મહાવીર સ્વામીના ‘જીવો અને જીવવા દો’ના સૂત્રને પશુઓની નિભાવણી દ્વારા ગૌશાળા-પાંજરાપોળો આત્મસાત કરે છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં ગૌવંશ માટે રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે શરૂ કરાયેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોને સહાયના ચેક અર્પણ કરવા ઉપરાંત રાજસ્થાનની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું જીવદયાના આ અદકેરા કાર્ય માટે સન્માન કર્યું હતું.

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગૌસંવર્ધન માટે શરૂ કરેલા વિવિધ કાર્યક્રમો ગૌચર વિકાસ બોર્ડ, ગૌસેવા આયોગ, પશુ રસીકરણ, પશુ આરોગ્ય મેળાઓ વગેરેથી પશુસંવર્ઘન અને પશુસુધારણા માટે ઉમદા કામગીરી કરી હતી. આ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ કામગીરીને સતત આગળ ધપાવી રહી છે.

મંત્રી શ્રી રાઘવજીભાઈએ ગીર, કાંકરેજી, ડાંગી દેશી ગાય જેવી ઓલાદોના સંવર્ધન માટે તેમજ  રાજ્ય સરકારના સફળ પ્રયાસોની જાણકારી આપી હતી. તેમજ ગૌસેવા બોર્ડ-ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌશાળા-પાંજરાપોળના માળખાકીય સાધન-સુવિધા પૂરી પાડી સ્વાવલંબી બનાવવા માટે રાજ્ય સરકારે અદ્યતન સાધન સહાય પૂરી પાડવા માટે છેલ્લાં ૧૦ વર્ષમાં રૂ. ૧૦૦ કરોડની મદદ કરી હોવાની વિગતો આપી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ દરેક સંસ્થાને પશુ દીઠ રૂ. ૨૫ લેખે રોકડ સહાય સતત ૭ માસ સુધી કરી હતી અને રૂ. ૨૨૧ કરોડની સહાય કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ચાફ કટર, બેલર, સોલર પેનલ વગેરે જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે રૂ. ૩૫.૪૯ કરોડની સહાય ગૌશાળા-પાંજરાપોળોને કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના અંતર્ગત ગયા વર્ષે રાજ્યમાં પશુદીઠ દૈનિક રૂ. ૩૦ લેખે ૧૧૯૪ જેટલી સંસ્થાઓના ૩.૧૦ લાખ પશુઓ માટે રૂ. ૧૭૦.૩૭ કરોડની સહાય પણ રાજ્ય સરકારે આપી છે એમ શ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું.

કૃષિ મંત્રી શ્રી પટેલે ગૌશાળા-પાંજરાપોળો જેવી સંસ્થાઓને કેન્દ્ર-રાજ્યની ગોબરધન સહિતની જુદી જુદી યોજનાઓનો લાભ લઈ આર્થિક ઉપાર્જન થકી કાયમી ધોરણે આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સમસ્ત મહાજનના શ્રી ગીરીશભાઈ શાહ તથા શ્રી મિતલભાઈ ખેતાણી,  જામનગરના મેયર શ્રી બિનાબહેન કોઠારી, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ વર્ષાબેન દોશી, વડોદરાના પૂર્વમેયર ડૉ. જિગીશાબેન શેઠ, પશુપાલન નિયામક શ્રીમતી ફાલ્ગુની બહેન સહિત રાજ્યની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો-ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.