Western Times News

Gujarati News

આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની સચોટ આગાહી આપશે

ઈસરોનું સૂર્ય મિશનઃ તા.૨ સપ્ટેમ્બરે આદિત્ય એલ-૧ લોન્ચ થશે

નવી દિલ્હી, ઈસરો સૂર્યનો અભ્યાસ કરવા માટે ૨ સપ્ટેમ્બરે સવારે ૧૧ઃ૫૦ વાગ્યે એનું સૌર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એનું નામ આદિત્ય ન્૧ રાખવામાં આવ્યું છે. ઈસરોએ સોમવારે આ જાણકારી આપી છે.

આદિત્ય એલ૧ સૂર્યની આસપાસ રચાતા કોરોનાના રિમોટ ઓબ્ઝર્વેશન માટે બનાવવામાં આવ્યું છે. શ્રીહરિકોટાથી પીએસએલવી-એક્સએલ રોકેટ દ્વારા આ યાનને અવકાશમાં મોકલવામાં આવશે.

આદિત્ય યાન એલ૧ એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદભવતાં તોફાનોને સમજી શકશે. આ પોઈન્ટ પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં લગભગ ૧૨૦ દિવસ એટલે કે ૪ મહિના લાગશે.
એ વિવિધ વેબ બેન્ડ્‌સમાંથી સાત પેલોડ્‌સ દ્વારા લેગ્રેન્જિયન પોઇન્ટની આસપાસ ભ્રમણ કરશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.

ઈસરોના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આદિત્ય એલ૧ એ દેશની સંસ્થાઓની ભાગીદારી સાથે કરવામાં આવનારો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફે તેના પેલોડ્‌સ બનાવ્યા. જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ વિકસાવ્યું છે.

આદિત્ય યાનને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હાલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. ઈસરોનું કહેવું છે કે એલ૧ પોઈન્ટની ફરતે હેલો ઓર્બિટમાં રાખવામાં આવેલું સેટેલાઇટ કોઈપણ ગ્રહણ વિના સૂર્યને સતત જાેઈ શકે છે. આની મદદથી રિયલ ટાઈમ સોલર એક્ટિવિટીઝ અને સ્પેસ વેધર પર પણ નજર રાખી શકાશે.

આદિત્ય ન્૧ના પેલોડ્‌સ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓની લાક્ષણિકતાઓ, પાર્ટિકલ્સની હિલચાલ અને અવકાશના હવામાનને સમજવા માટે માહિતી પ્રદાન કરે એવી અપેક્ષા છે.

લેગ્રેન્જ પોઈન્ટ ૧ સામાન્ય રીતે એલ-૧ તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ પોઈન્ટ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે. આવી સ્થિતિમાં જાે કોઈ વસ્તુને આ સ્થાન પર રાખવામાં આવે તો તે બંને વચ્ચે સરળતાથી સ્થિર રહે છે અને ઊર્જા પણ ઓછી રહે છે.

પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ૧૫ લાખ કિમી અંતરે છે. ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર આ પહેલું ભારતીય અવકાશ મિશન હશે. આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે.

સૂર્યની એચડી તસવીર લેશે વીઈએલસી
સૂર્યયાનમાં લાગેલુ વીઈએલસી સૂર્યની એચડી તસવીર લેશે. આ સ્પેસક્રાફ્ટને પીએસએલવી રોકેટથી લોન્ચ કરવામાં આવશે. વીઇએલસી પેલોડના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર રાઘવેન્દ્ર પ્રસાદે કહ્યું કે આ પેલોડમાં લાગેલો વૈજ્ઞાનિક કેમેરા સૂર્યની હાઇ રિજાેલ્યૂશન તસવીર લેશે. સાથે જ સ્પેક્ટ્રોસ્કોપી અને પોલેરીમેટ્રી પણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.