Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યૂના એક હજારથી વધુ કેસ

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદમાં રોગચાળો બેકાબુ બન્યો છે શહેરના પૂર્વ વિસ્તારમાં કોેલેરા અને ઝાડા ઉલટી જયારે પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગયુ એ કાળો કહેર વર્તાવ્યો છે. આ ઉપરાંત ટાઈફોઈડ, કમળો અને ચીકનગુનિયાના કેસમાં પણ સતત વધારો થતાં તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે.

અમદાવાદમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ ૨૬ દિવસમાં જ ડેન્ગ્યુના ૬૧૭ કેસ નોંધાયા છે. આમ ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કુલ કેસની સંખ્યા ૯૯૮ થઈ છે. ર૦ર૧માં ઓગસ્ટ મહિના સુધી ડેન્ગ્યુના પ૦પ અને ર૦રરમાં રપ૬ કેસ નોંધાયા હતા. આમ ર૦રરની સરખામણીએ ર૦ર૩માં ડેન્ગ્યુના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે.

ચાલુ મહિનામાં જ ચીકનગુનિયાના પણ ૧૦ કેસ કન્ફર્મ થયા છે. શહેરના મધ્યઝોનમાં ડેન્ગ્યુના ૪૩, પશ્ચિમ ઝોનમાં ૧૪૩, ઉત્તર ઝોનમાં ૧૦૩, પૂર્વ ઝોનમાં ૧૭૦, દક્ષિણ ઝોનમાં ૧૫૬, ઉ.પ.માં ૨૦૪ તથા દ.પ.માં ૧૬૯ કેસ નોંધાયા છે. આમ ડેન્ગ્યુના કુલ ૯૯૮ પૈકી ૫૩૯ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયાના ૫૩૪ અને ઝેરી મેલેરિયાના ર૭ કેસ પણ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વધી રહયો છે. ઓગસ્ટના પ્રથમ ૨૬ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૭૩૫, કમળાના ૧૭૨, ટાઈફોઈડના ૬૨૭, તથા કોલેરાના ર૩ કેસ કન્ફર્મ થયા છે. આ તમામ કેસ પૂર્વ વિસ્તારમાંથી બહાર આવ્યા છે.

ર૦રરના સમગ્ર વર્ષ દરમિયાન કોલેરાના ૩પ કેસ નોંધાયા હતાં જેની સામે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધી જ કોલેરાના ૩૬ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન પાણીજન્ય રોગચાળાના ૮ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ઓગસ્ટ મહિનામાં ૧૨૮૮૬ કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે

જે પૈકી ર૭૭ સ્થળે નીલ કલોરિન રિપોર્ટ આવતા તંત્ર ચોંકી ઉઠયું છે. આ ઉપરાંત ૩૫૦૬ સેમ્પલ બેકટોરિયોલોજીકલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે જે પૈકી ૪૩ સેમ્પલ અનફિટ જાહેર થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.