Western Times News

Gujarati News

US વિઝા માટે એપોઈન્ટમેન્ટ બૂક કરવાનું કામ સરળ બન્યું

નવી દિલ્હી, અમેરિકાના વિઝા મેળવવા માગતા ભારતીયોને સૌથી મોટી સમસ્યા એપોઈન્ટમેન્ટ બૂક કરાવવાને લગતી નડે છે. વિઝા માટે ઈન્ટરવ્યૂની તારીખ મેળવવામાં મહિનાઓ કે વર્ષો લાગી જતા હતા. ખાસ કરીને કોવિડના કારણે સમસ્યા ઘણી ગંભીર બની ગઈ હતી. જાેકે, હવે એપોઈન્ટમેન્ટ બૂક કરવાનું કામ સરળ થઈ ગયું છે અને તેમાં વેઈટ કરવાની જરૂર નથી.

મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ના કારણે વિઝા માટે જે બેકલોગ સર્જાયો હતો તે સમાપ્ત થઈ ગયો છે. હવે અરજકર્તાઓ સ્ટાન્ડર્ડ ટાઈમમાં જ પોતાના ઈમિગ્રેશન વિઝા ઈન્ટરવ્યૂ માટેના એપોઈન્ટમેન્ટને શિડ્યુલ કરી શકે છે.

કોન્સ્યુલેટનું કહેવું છે કે લગભગ ૯ લાખથી વધારે નોન-ઇમિગ્રન્ટ વિઝા હાલમાં પ્રોસેસ થઈ રહ્યા છે અને થોડા જ દિવસોમાં તે ૧૦ લાખનો આંકડો વટાવી જશે. અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું કે ટુરિસ્ટ વિઝાના ઈન્ટરવ્યૂ માટે જે વેઈટ પિરિયડ હતો તે લગભગ ૫૦ ટકા સુધી ઘટી ગયો છે.

૨૦૨૩માં એક વર્ષમાં એક મિલિયન વિઝા અરજીઓ પ્રોસેસ કરવાની યોજના છે. કોવિડ પછી મોટા ભાગના ભારતીયોની ફરિયાદ હતી કે હજુ પણ વિઝાની પ્રોસેસ નોર્મલ નથી થઈ અને તેમને એપોઈન્ટમેન્ટ મેળવવામાં મહિનાઓ લાગી જાય છે.

અમેરિકન ઓથોરિટીએ આ ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને તેના ઉકેલ માટે કામ કરે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ઈન્ડિયન કોમ્યુનિટીની મુલાકાત લીધી ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે ભારતીય પ્રોફેશનલો વિદેશમાં ગયા વગર જ તેમના વર્ક વિઝાને રીન્યૂ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં બેંગલુરુ અને અમદાવાદમાં અમેરિકાના નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે.

હવેથી H1B વિઝાને અમેરિકામાં રહીને જ રિન્યુ કરાવી શકાશે. અમેરિકન દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે અમેરિકામાં ભારતીય ટ્રાવેલર્સની સંખ્યા સતત વધતી જાય છે તેથી વિઝાની પ્રોસેસને સ્ટ્રીમલાઈન કરવા માટે અને ઝડપી બનાવવા માટે બંને દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે.

કોવિડ વખતે તમામ દેશોએ ટ્રાવેલ પર નિયંત્રણ મુક્યા હતા ત્યાં સુધી સ્થિતિ અલગ હતી. પરંતુ ત્યાર પછી કોવિડ નિયંત્રણો હટાવવામાં આવ્યા ત્યારે અમેરિકન વિઝા માટે અરજીઓમાં મોટો ઉછાળો આવ્યો અને તેમાં ભારતીયો સૌથી આગળ હતા.

ચાલુ વર્ષમાં ફેબ્રુઆરીમાં યુએસ એમ્બેસીએ જાહેરાત કરી હતી કે વિદેશ જઈ રહેલા ભારતીયો પોતાના ડેસ્ટિનેશન પર યુએસ એમ્બેસી કે કોન્સ્યુલેટમાં વિઝા એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકાએ લગભગ ૮૨,૦૦૦ વિઝા ઈશ્યૂ કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.