Western Times News

Gujarati News

બનાસકાંઠા કલેક્ટરે શક્તિપીઠ અંબાજી મંદિરે ધ્વજારોહણ કર્યું: ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો

માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો:કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ

ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો.

જિલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.

સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આટલા મોટા આયોજનને પહોંચી વળવું એ માં અંબાના આશીર્વાદ વગર શક્ય નહોતું એમ જણાવી કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે માં અંબા ને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્ય સરકાર, સમગ્ર ટીમ બનાસકાંઠા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ સહિતનો આભાર માન્યો હતો.

માં અંબાને પૂનમના પવિત્ર દિવસે  ધ્વજારોહણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સહિતના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.

તા. 23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો.

માં ના દર્શને ભક્તો પગપાળા, બસમાં, ગાડીમાં એમ વિવિધ પ્રકારે અંબાજી આવ્યા હતા. અને પોતાની બાધા માનતા અને મનોકામના પૂર્ણ કરવા માતાજીને દંડવત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જ્યારે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ભક્તિભાવ સાથે માં અંબે ના પાવન મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રની ટીમે એમના કપ્તાન જિલ્લા વિકાસ અધિકરીશ્રી સ્વપ્નિલ ખરેને ખભે ઊંચકી ચાચર ચોકમાં ગરબે ઘુમવાનો આનંદ માણ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ માઇભક્તો સાથે શ્રદ્ધાપૂર્વકમાં ના ચાચર ચોકમાં ઢોલ નગારાની રમઝટમાં ઝૂમી ઉઠયા હતા અને માં અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતાં મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.