Western Times News

Gujarati News

નડિયાદ જિલ્લા કલેકટરે અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત મહાશ્રમદાન કર્યું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)  ગાર્બેજ ફ્રી ઇન્ડિયા એટલે કે કચરા મુક્ત ભારતના શુભ ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ૨જી ઓક્ટોબરે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવશે.

જેના ભાગરૂપે તા.૦૧-૧૦-૨૦૨૩ સવારે ૧૦ઃ૦૦ કલાકે “એક તારીખ, એક કલાક” ના સૂત્ર સાથે ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ મહાશ્રમદાનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નડિયાદનાં ડભાણ અને મહુધાનાં વડથલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચોહાણે મહાશ્રમદાન અંતર્ગત સફાઈકામ સહિત વિવિધ પ્રવૃતિઓ કરી હતી.

જેમાં ડભાણ ખાતે ગણપતિ મંદિર પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર એ કે.એલ.બચાણી પણ મહાશ્રમદાનમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે જાેડાઈને એક કલાક સફાઈ કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કામદારોનું શાલ ઓઢાડીને તથા રેંટીયો અને સન્માનપત્રો આપીને સન્માન કર્યુ હતુ.

અને સફાઈ કામદારોને રૂબરુ મળીને તેમના કાર્યને બિરદાવ્યુ હતુ. ઉપરાંત, મહાશ્રમદાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. તથા આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવેલ એનસીડી કેમ્પમાં સફાઈકામદારોના સ્વાસ્થ્યની તપાસણી કરવામાં આવી હતી. મંત્રી દેવુસિંહે આ હેલ્થ કેમ્પની મુલાકાત લઈ સફાઈકામદારોનાં સ્વાસ્થ્યના હાલચાલ જાણ્યા હતા.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કટિબદ્ધ છે. જેને કારણે આજે લોકો સ્વચ્છતાને લઇ જાગૃત અને પ્રયત્નશીલ બન્યા છે. ૨, ઑક્ટોબર, ૨૦૨૩ ગાંધીજીની જન્મ જયંતિ ઉજવવા આજે સમગ્ર દેશમાં મહાશ્રમદાનના કાર્યક્રમનું આયોજન છે.

ખેડા જિલ્લામાં પણ આજે ૦૧ લી ઓક્ટોબરના રોજ ‘એક તારીખ, એક કલાક’ના સુત્ર સાથે જિલ્લાના ૧૪૪ જેટલા શહેરી અને ૫૫૪ જેટલા ગ્રામિણ વિસ્તારોમાં મહાશ્રમદાન કાર્યક્રમો અંતર્ગત સફાઈકામ અને તેને લગતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજિત ૯ થી ૧૦ લાખ લોકો સહભાગી બનશે.

તેમ જણાવી સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો દ્વારા જિલ્લાનાં નાગરીકોમાં સ્વચ્છતાનાં મહત્વને લઈ જાગૃતિ આવશે એવો વિશ્વવાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મહાશ્રમદાનના આ કાર્યક્રમોમાં મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, નડિયાદ પ્રાંત અધિકારી ભોરણીયા,

નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.એમ.રાણા, નડિયાદ અને મહુધાનાં મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, આરોગ્ય અને વન વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચશ્રીઓ, આંગડવાડી બહેનો તથા ગ્રામ આગેવાનો સહિત અન્ય મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.