Western Times News

Gujarati News

જીમખાનાની આડમાં જુગારનો અડ્ડોઃ 27 શકુનીઓની ધરપકડ

અમદાવાદના મનપસંદ જીમખાના પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ પડાઈ

અમદાવાદ, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૨૭ શકુનીઓની ધરપકડ કરી છે. મનપસંદ જીમખાનામાં એક મહિનામાં ૨ મોટી રેડ થતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્‌યા છે.

મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ ૧૦૦ મીટર દૂર આવેલા મનપસંદ જીમખાનામાં ફરી જુગારધામ ધમધમી રહ્યું હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે મોડીરાત્રે આ જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન જીમખાનામાં ૨૭ જેટલા જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાવનારા ગોવિંદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં ક્રાઈમ બ્રાન્ચે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ૧ મહિનામાં ૨ મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્‌યા છે. મનપસંદ જીમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૬ જૂન ૨૦૨૧ના રોજ પણ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો, ત્યારે જુદા જુદા ૭ મકાનોમાંથી જુગાર રમતા ૧૮૦ લોકો પકડાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં જુગારની આ સૌથી મોટી રેડ હતી. જે બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત ૧૨ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. તો ૧૦૦ પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.