Western Times News

Gujarati News

વંદે ભારતમાં હવે સ્લીપર કોચ પણ આવશે

vande bharat train

નવી દિલ્હી, વંદે ભારત ટ્રેન હવે ભારતીય રેલવેની ઓળખ બની ગઈ છે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં આ ટ્રેન દોડવા લાગી છે. અત્યંત આકર્ષક અને આધુનિક વંદે ભારત ટ્રેન અત્યાર સુધી માત્ર સિટિંગની સગવડ ધરાવતી હતી, પરંતુ હવે તેમાં સ્લીપર કોચ પણ આવશે. આગામી થોડા સપ્તાહમાં જ સ્લીપરની સુવિધા સાથે વંદે ભારત શરૂ થઈ જશે.

સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી આ ટ્રેન તેની હાઈ સ્પીડ અને સેફ્ટી માટે જાણીતી છે. રેલવેના સૂત્રોએ જણાવ્યું કે સ્લીપર કોચ સાથે વંદે ભારતનો એક પ્રોટોટાઈપ તૈયાર થઈ ગયો છે.

બેંગલુરુ સ્થિત બીઈએમએલ ફેક્ટરી ખાતે આ કોચ તૈયાર થશે. એક વખત ડિઝાઈનને મંજૂરી મળી જાય ત્યાર પછી તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. વંદે ભારતના સ્લીપર વર્ઝન માટે રેલવેએ ટેન્ડર બહાર પાડ્યા હતા હતા અને બીઈએમએલને ૬૭૫ કરોડ રૂપિયાનું ટેન્ડર મળ્યું છે. તેના ભાગરૂપે રેલવેને ૧૦ વંદે ભારત સ્લીપર ટ્રેન પૂરી પાડવામાં આવશે. ૨૦ ઓક્ટોબર સુધીમાં આખી ટ્રેનનું સ્લીપર મોડેલ તૈયાર થઈ જશે તેમ માનવામાં આવે છે.

અત્યાર સુધી વંદેભારત ટ્રેનમાં માત્ર બેસવાની સુવિધા આવતી હતી. તેના કારણે આ ટ્રેન મોટા ભાગે ૪૫૦થી ૭૫૦ કિમી સુધી જ દોડાવવામાં આવતી હતી. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડતી વંદે ભારત સૌથી લાંબો રૂટ ધરાવે છે. તાજેતરમાં ગુજરાતમાં જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે આ ટ્રેન પહેલેથી દોડે છે. હવે સ્લીપર ટ્રેન શરૂ થશે તો ૧૨૦૦થી ૧૫૦૦ કિમી સુધી પણ વંદેભારત ટ્રેન દોડાવી શકાશે. નવી સ્લીપર વંદે ભારતમાં ૧૧ એસી- થ્રી ટિયર કોચ હશે જ્યારે ચાર છઝ્ર ટુ ટિયર કોચ હશે. ચાલુ નાણાકીય વર્ષમાં જ આ નવા પ્રકારની ટ્રેન દોડવા લાગે તેવી શક્યતા છે.

સેકન્ડ એસી તરીકે ઓળખવામાં આવતા છઝ્ર ટુ-ટિયર કોચમાં પેસેન્જરોને લક્ઝરી અનુભવ થશે. આ કોચનું રૂફ લાઈટિંગ, પેનલ, એસ્થેટિક વગેરે ટોપ ક્વોલિટીનું હશે જેથી લાંબા અંતર સુધી કોઈ થાક નહી લાગે. વંદે ભારત ટ્રેનના કોચ બનાવવાનું કામ જેને સોંપાયું છે તે બીઈએમએલ તેની બેંગલુરુ સ્થિત કંપનીમાં ટ્રેનનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે પણ આઈસીએફ કોચ બનાવવામાં આવશે. સંયુક્ત સાહસમાં કુલ ૮૦ રેક તૈયાર કરવામાં આવશે.

આઈસીએફ દ્વારા કોચ તૈયાર કરવા માટે જગ્યા અને મશીનરીની ફાળવણી કરી દેવામાં આવી છે. અહીં ઓટોમેટિક વ્હિલ લાઈન મશીન, પેઈન્ટ બૂથ, ક્રેન અને શેડ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે. રેલવે મંત્રાલયે ઘણા સમય અગાઉ કહી દીધું હતું કે વંદે ભારતને લાંબા અંતર પર દોડાવવાની યોજના છે અને તે માટે કંપનીઓને સજ્જ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.