Western Times News

Gujarati News

યુકેમાં ખોબા જેવા ઘરોમાં ૨૦-૨૦ લોકો રહેવા મજબૂર

નવી દિલ્હી, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ યુકેમાં પણ મકાનના ભાડાંમાં એટલો બધો વધારો થયો છે કે સામાન્ય લોકો માટે ઘર શોધવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ભારત, બાંગ્લાદેશના સ્ટુડન્ટ્‌સને ભાડાં પોસાતા નથી અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેનેડા પછી યુકેમાં પણ હાઉસિંગ ક્રાઈસિસનો માહોલ છે.

હાઉસ રેન્ટ એટલું વધી ગયું છે કે લોકોએ ક્વોલિટી સાથે સમાધાન કરીને ગોડાઉન જેવી જગ્યાઓમાં રહેવું પડે છે. યુકેના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સ્ટુડન્ટને ઘર શોધવામાં તકલીફ પડે છે. હવે એફોર્ડેબલ મકાનો ક્યાંય મળતા નથી. દરેક જગ્યાએ રેફરન્સ, પેસ્લીપ માગવામાં આવે છે અને પછી જ ભાડા કરાર થાય છે.

લંડનની એક કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતા એક એશિયન સ્ટુડન્ટે જણાવ્યું કે તે બે બેડરૂમના એક મકાનમાં રહે છે જેમાં તેની સાથે બીજા ૨૦ યુવાનો પણ રહે છે. યુનિવર્સિટી જે રહેવાની સગવડ આપે છે તે એટલી મોંઘી છે કે તેને આવા ગીચ મકાનમાં જ રહેવું પડે છે. આ નાનકડા ઘરમાં પણ એટલો બધો સામાન્ય અને બેગ્સ પડી છે કે તેમાં સુવું મુશ્કેલ બની જાય છે. ગયા વર્ષની સાથે તુલના કરવામાં આવે તો અત્યારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ માટે હાઉસિંગની સ્થિતિ સૌથી ખરાબ છે.

અત્યારે કોઈ પણ ઘરમાં શેરિંગ કરીને રહેવું કે હોસ્ટેલમાં રહેવું એટલું મોંઘું છે કે ૧૦ ટકા સ્ટુડન્ટને પણ તે પોસાય તેમ નથી. ઘણા વિદ્યાર્થીઓ લોન અથવા ગ્રાન્ટના આધારે ભણતા હોય છે. તેઓ આવા મોંઘા ઘરોમાં રહી શકે તેમ નથી અને સસ્તા ઘરો ક્યાંય મળતા નથી. યુકે અત્યારે દુનિયાભરમાં હાયર એજ્યુકેશન માટે પસંદગીના દેશોમાં સ્થાન ધરાવે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે યુકેમાં લગભગ સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે.

આ સંખ્યા સતત વધતી જાય છે જેમાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા ૧.૨૦ લાખથી પણ વધારે છે. અહીં દર વર્ષે આવતા નવા વિદ્યાર્થીઓમાં ભારતીયો મોટી સંખ્યામાં હોય છે. એક લો કોલેજમાં અભ્યાસ કરતા રશાવા કૌશિક નામના ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે તે પોતાના રૂમ પાર્ટનર્સ સાથે એક નાનકડા મકાનમાં રહે છે જેના માટે ૧૬,૦૦૦ પાઉન્ડ અપફ્રન્ટ પેમેન્ટ કરવું પડ્યું છે.

આ ઉપરાંત એક બેડરૂમના મકાન માટે એક ગેરંટર આપવા પડ્યા છે. હાલમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ જે સ્થિતિ ભોગવે છે તેવી સ્થિતિ કૌશિકની પણ છે. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ જ્યાં રહે છે તેની સ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ પોતાના ઘરે વિડિયો કોલ કરવાનું પણ ટાળે છે જેથી કરીને ઘરના લોકો દુખી ન થાય.

લંડનની બહાર અને આસપાસના વિસ્તારોમાં પણ મકાનના ભાડા સસ્તા છે એવું નથી. હાલમાં લંડન બહાર નાનકડું મકાન ભાડે લેવું હોય તો વાર્ષિક ૭૬૦૦ પાઉન્ડથી વધારે ભાડું આવે છે. એટલે કે સ્ટુડન્ટ મેન્ટેનન્ટ લોન ભથ્થાની ૭૭ ટકા રકમ તેમાં જ વપરાઈ જાય છે. લંડનના પોલિસીમેકર્સ ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો સ્થિતિ વધારે વિકટ બનશે. યુકેની આ સ્થિતિ માટે કેટલાક લોકો અહીંની યુનિવર્સિટીઓની લાલચને જવાબદાર ગણે છે.

તેઓ કહે છે કે યુનિવર્સિટીઓ જંગી ફી કમાવા માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સને એડમિશન આપતી રહે છે, પરંતુ તેની સામે રહેવાની સગવડ વધારતી નથી. લોકલ હાઉસિંગ માર્કેટમાં મકાનોની અછત છે ત્યારે વિદેશી વિદ્યાર્થીઓ રહેશે ક્યાં તે વાતનો વિચાર કરવો જાેઈએ. ઘણા સ્ટુડન્ટનું શોષણ કરવામાં આવે છે અને તેઓ રકમ ન આપે તો તેમણે હોમલેસ તરીકે રખડવું પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.