Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરાનો કહેરઃ એક જ મહિનામાં ૩પ કેસ નોંધાયા

સરખેજ, રામોલ અને ગોતામાં ડેન્ગ્યૂના કેસની સેન્ચૂરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં એક મહિનાના વિરામ બાદ થયેલ વરસાદને પરિણામે ડેન્ગ્યૂ, ચીકનગુનીયા અને કોલેરા જેવા જીવલેણ રોગમાં ચિંતાજનક હદે વધારો થયો છે.

શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા છે. જયારે ડેન્ગ્યૂનો રોગચાળો પણ બેકાબુ બની ગયો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા આઈઆર સ્પ્રે અને ફોગીંગ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં રોગચાળો નિયંત્રણમાં આવતો નથી.

અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. શહેરમાં ર૦૧૯ બાદ પ્રથમ વખત કોલેરાનો કાળો કહેર જાેવા મળી રહયો છે. ચાલુ વર્ષ દરમિયાન ૩૦ સપ્ટેમ્બર સુધી કોલેરાના ૭પ કેસ કન્ફર્મ થયા છે જે પૈકી માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ૩૩ કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા તેનો યોગ્ય અમલ થતો ન હોવાથી કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. શહેરના રામોલ, હાથીજણ, વટવા, દાણીલીમડા સહિતના વોર્ડમાંથી કોલેરાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે.
ર૦ર૧ના સપ્ટેમ્બર મહિનામાં કોલેરાના ૦ અને ર૦રરના સપ્ટૈમ્બર મહિનામાં કોલેરાનો માત્ર એક કેસ નોંધાયો હતો જેની સામે ર૦ર૩માં સપ્ટેમ્બર મહિનામાં કોલેરાના ૩૩ કેસ નોંધાયા છે. જે આરોગ્ય વિભાગની નિષ્ફળતા સાબિત કરી રહી છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલ્ટીના પ૪૦૧, કમળાના ૧૩૪ર, અને ટાઈફોઈડના ૩૩૧૦ કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ટાઈફોઈડના સૌથી વધુ કેસ ર૦૧૯માં પપ૬૭ નોંધાયા હતા ત્યારબાદ ચાલુ વર્ષે ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક હદે વધારો જાેવા મળ્યો છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ રીતસર આંતક મચાવ્યો છે ખાસ કરીને ડેન્ગ્યૂ અને ચીકનગુનીયા જેવા રોગમાં સતત વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યૂના ૭૦૮ અને ચીકનગુનીયાના ૧ર કેસ નોંધાયા હતાં. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના ૧૮૯૪ અને ચીકનગુનીયાના ૪ર કેસ કન્ફર્મ થયા છે.
શહેરના પાંચ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે. મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા દર અઠવાડીયે ફોગીંગ અને આઈઆર સ્પ્રેના આંકડા રજુ કરવામાં આવે છે જે મનઘડત હોવાની ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે જે સ્થળે એક વખત આઈઆર સ્પ્રે કરવામાં આવે ત્યાં ત્રણ મહિના સુધી ફરી વખત સ્પ્રે કરવાની જરૂર રહેતી નથી. તેમ છતાં મેલેરિયા વિભાગ તરફથી દર અઠવાડિયે એક લાખ કરતા વઘુ ઘરોમાં આઈઆર સ્પ્રે કરવામાં આવ્યું હોવાના આંકડા જાહેર કરવામાં આવે છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ તરફથી ઓઈલ અને છંટકાવ માટે દવાની ખરીદી માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ કોઈ જાહેરમાર્ગો પર ભાગ્યે જ દવા છંટકાવ જાેવા મળી રહયો છે જયારે ડીજીટલ યુગમાં ડ્રોનથી દવા છંટકાવ કરવાના બદલે આરોગ્ય અધિકારી સુતળી બોમ્બ જેવા હાસ્યાસ્પદ પ્રયોગો પણ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.