Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં તસ્કરોએ 328 લોકોની કિડની વેચી નાખી

ઈસ્લામાબાદ, પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ગરીબીથી પરેશાન લોકો હવે પોતાની કિડની વેચવા માટે મજબૂર બન્યા છે. લોકોની ગરીબીનો ફાયદો ઉઠાવીને હવે તસ્કરો કસાઈ બની ગયા છે.

પાકિસ્તાનમાં ૩૨૮ લોકોની કિડની કાઢી હોવાનો ખુલાસો થયો છે. ખાસ વાત એ છે કે, એક કિડનીને એક-એક કરોડમાં વેચવામાં આવી રહી છે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ગરીબ લોકોની કિડની કાઢીને વિદેશોમાં ૩૦ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે.

તસ્કરોની ગેંગના લીડર ફવાદ મુખ્તાર પર ૩૦૦થી વધુ કિડની કાઢવાનો આરોપ લાગ્યો છે. ગેરવર્તણૂકના આરોપમાં ફવાદ મુખ્તારની અગાઉ પણ પાંચ વખત ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે દરેક વખતે જામીન મેળવવામાં સફળ રહ્યો હતો.

પાકિસ્તાન પોલીસે આ તસ્કરની ગેંગના ૮ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં તેઓએ જણાવ્યું કે, તેઓ અમીરોને કિડની વેચતા હતા અને બદલમાં તેમની પાસેથી મોટી રકમ વસૂલતા હતા. પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે, તસ્કરોની આ ગેંગ પૂર્વી પંજાબ પ્રાંતની સાથે-સાથે પીઓકેમાં પણ સક્રિય છે. મોટી વાત એ છે કે, કિડની કાઢતી વખતે ૩ લોકોના મોત પણ થઈ ગયા છે.

આ મામલે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મોહસિન નકવીએ જણાવ્યું કે, કિડની લોકોના ખાનગી ઘરોમાં જ કાઢવામાં આવતી હતી. આ લોકોને કિડની કાઢવા અંગે કોઈ જાણકારી પણ આપવામાં નહોતી આવતી. એ પણ ખુલાસો થયો છે કે, મુખિયા મુખ્તારને આ મામલે એક કાર મેકેનિકે મદદ કરી હતી. તે હોસ્પિટલમાં જઈને ગરીબોને લાલચ આપતો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં પંજાબ પોલીસે વધુ એક અંગ તસ્કરોની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગે ગુમ થઈ ગયેલા ૧૪ વર્ષના એક બાળકની કિડની કાઢી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.