Western Times News

Gujarati News

‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ મુંબઈ ખાતે 11મી ઓક્ટોબરે રોડ શોનું આયોજન

રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો : ટોચના ૧૨ ઉદ્યોગપતિશ્રીઓ સાથે મુખ્યમંત્રીશ્રી વન ટુ વન બેઠક : ૫૦૦થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તથા મુંબઈ સ્થિત કોનસોલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સ સાથે મળીને ભવ્ય રોડ શો

જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની ૧૦મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. ૧૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો,

એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિશ્રીઓ સાથે મુખ્યમંત્રીશ્રી વન ટુ વન બેઠક કરશે. જ્યારે બીજા ભાગમાં ૫૦૦થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તથા મુંબઈ સ્થિત કોનસોલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રીશ્રી દ્વારા તમામ ઉદ્યોગપતિશ્રીઓ તથા ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહિ, ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે તેમ શ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.