Western Times News

Gujarati News

5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, 3 ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોનાં પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમના સાથીદારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમનાં સૂચનો અને પ્રતિભાવો લીધાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.