Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં વરસાદ: મગફળી સહિતના પાકને નુકસાન

પ્રતિકાત્મક

અમરેલીનાં કુંકાવાવમાં અડધો ઈંચ, રાજકોટ શહેરમાં ઝાપટા તથા જુનાગઢ જિલ્લામાં બેથી ત્રણ ઈંચ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગઈકાલે જામનગર જિલ્લાના કાલાવડમાં પોણા બે ઈંચ, અમરેલીનાં કુંકાવાવમાં અડધો ઈંચ, રાજકોટ શહેરમાં ઝાપટા તથા જુનાગઢ જિલ્લામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નવરાત્રી પૂર્વે જ ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે પણ તા.16 સુધી હળવા વરસાદની આગાહી કરી છે.દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ છેલ્લા 3 દિવસથી ભારે ગરમી અને બફારો ઉકળાટ બાદ ગઈકાલે બપોર બાદ જુનાગઢ શહેરમાં સાંજે ઘટાટોપ વાદળો ચડી આવ્યા હતા. ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે ભાદરવાના મંડાણ થયા હોય તેમ એક કલાકમાં ગિરનાર પર્વત ઉપર 3 ઈંચ અને જુનાગઢમાં શહેરમાં સવા બે થી અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો.

જુનાગઢ અને જીલ્લામાં હાલ ચોમાસુ મૌતમ ખરીફ પાકની મૌલાત જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહી છે ખાસ મગફળી સોયાબીન તલ મગ અડદ સહિતની જણસોના પાથરા ઉભડા તેમજ તૈયાર થયેલ મગફળી સોયાબીનના ઢગલા ખેતરોમાં પડયા છે ત્યારે અચાનક ઘટાટોપ વાદળો પૂર્વ દિશામાંથી ભારે પવન સાથે ચડી આવ્યા હતા. એક કલાકમાં સાંજે 4-20થી 5-20 દરમ્યાન ગીરનાર પર્વત ઉપર 3 ઈચ અને શહેરમાં સવા બેથી અઢી ઈંચ વરસાદ તુટી પડયો હતો.

ભાદરવાના અંતિમ દિવસોના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે આવતીકાલે નવરાત્રી પૂર્વે ધોધમાર વરસાદ ખાબકતા ખેડુતોના મોઢામાં આવેલ કોળીયો ઝુંટવાઈ રહ્યો છે. તોફાની વરસાદ સાથે ભારે પવનમાં લાઈટ ગુલ થઈ જતા મોડી રાત સુધી લાઈટ આવી ન હતી. જુનાગઢ ઉપરાંત શાપુર વંથલી કાજળીયાળા, બંધળા ઉપરાંત અનેક ગામડાઓમાં કડાકા ભડાકા સાથે એકથી દોઢ ઈંચ વરસાદ તુટી પડયો હતો તુવેર કપાસમાં પણ ભારે પવનમાં મોટી નુકશાની થવા પામી છે.

નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે આયોજકો ભારે ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે. ઠેર ઠેર પાણીથી રસ્તા ચાચર ચોકમાં ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગારો કીચડનું સામ્રાજય સર્જાયું છે.

ભારે બફારો સવારથી જોવા મળી રહ્યો છે. બપોર બાદ ફરી વરસાદ તુટી પડે તેવી દહેશત જોવા મળી રહી છે. વરસાદના કારણે પશુઓનો ચારો મગફળીનો પાલો પલળી જવા પામ્યો છે. યાર્ડમાં પણ કુલ્લામાં પડેલી જણસોમાં નુકશાન થવા પામ્યાના અહેવાલો મળી રહ્યા છે.

દરમ્યાન રાજકોટ શહેરમાં પણ ગત રાત્રી દરમ્યાન હવામાન પલ્ટા સાથે જોરદાર ઝાપટુ વરસી જતા રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા. રાજકોટમાં ગઈકાલે આખો દિવસ ગરમી અને સખત બફારો રહ્યા બાદ રાત્રીના વરસાદ પડવા પામ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.