Western Times News

Gujarati News

અમદાવાદમાં નાગરીકો પર ડેન્ગ્યૂ, કોલેરા અને કમળાનો ત્રિપાંખીયો હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ ફરી એક વખત માથું ઉંચકયું છે. ચોમાસાની સીઝન લગભગ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ડેન્ગ્યૂ અને ચીકનગુનીયા જેવા મચ્છરજન્ય રોગ સતત વધી રહયા છે.

ડેન્ગ્યૂના કારણે ચાલુ મહિનામાં જ બે મૃત્યુ થયા છે. જયારે કોલેરા અને કમળા જેવા પાણીજન્ય રોગચાળાએ ચોફેર કાળો કહેર વર્તાવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યૂ અને પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસમાં થઈ રહેલ ચિંતાજનક વધારાના પરિણામે તંત્રની સાથે સાથે નાગરિકોની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે.

શહેરમાં છેલ્લા એક અઠવાડીયા દરમિયાન ડેન્ગ્યૂના લગભગ ૯૦ કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જયારે ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના કેસની સંખ્યા ર૦૯૪ કેસ કન્ફર્મ થયા છે. ર૦રરના સમગ્ર વર્ષમાં ડેન્ગ્યૂના રપ૩૭ કેસ નોંધાયા હતા. જેની સામે ર૦ર૩ના નવ મહિનામાં જ ર હજાર કેસ નોંધાયા છે. જે કેસની તીવ્રતા દર્શાવી રહી છે

શહેરમાં ડેન્ગ્યૂની સાથે સાથે ચીકનગુનીયાના કેસ પણ વધી રહયા છે. ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનીયાના ૪૭ કેસ કન્ફર્મ થયા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના ૯૦૨ અને ઝેરી મેલેરિયાના ૮૧ કેસ નોંધાયા છે. શહેરના ૪૮ પૈકી પ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે જયારે ૭ વોર્ડ પૈકી ૬ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસ ર૦૦ કરતા પણ વધુ કન્ફર્મ થયા છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યૂના ૩૧૪, ઉત્તર-ર૪૯, પૂર્વ ઝોનમાં- ૪૩૦, દક્ષિણ-૩૬૨, ઉ.પ.-૩૮૦, દ.પ.માં – ર૬૧ તથા મધ્યઝોનમાં ૯૮ કેસ નોંધાયા છે. શહેરમાં ૮૭ નવજાત શીશુઓ પણ ડેન્ગ્યૂની ઝપેટમાં આવી ગયા છે.

જયારે ૧૪ વર્ષ સુધીના ૭૭૮ બાળકો ડેન્ગ્યૂના સકંજામાં આવી ગયા છે. ડેન્ગ્યૂના ર૦૯૪ કેસ પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૬૬૭ અને ખાનગી હોસ્પિટલમાં ૪ર૨ કેસ નોંધાયા છે જયારે ૧૨૧૩ પુરૂષો અને ૮૮૧ મહિલાઓ ડેન્ગ્યૂના શિકાર બન્યા છે.

શહેરમાં બેરોકટોક વેચાણ થતાં બિનઆરોગ્યપ્રદ આહાર અને તંત્ર દ્વારા સપ્લાય થતાં દુષિત પાણીના પરિણામે કોલેરા અને કમળાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના ૮૨, કમળાના ૧૪૦૭, ઝાડા-ઉલ્ટીના ૫૫૬૭ અને ટાઈફોઈડના ૩૪૮૮ કેસ નોંધાયા છે.

શહેરમાં ઓકટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં જ કોલેરાના નવા ૭ કેસ કન્ફર્મ થયા છે. કોલેરાના કેસ વટવા, લાંભા, અને રામોલ હાથીજણમાંથી મોટાપાયે બહાર આવી રહયા છે. આ ઉપરાંત કમળાના રોગચાળાએ પણ રીતસર આંતક મચાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.