Western Times News

Gujarati News

કેવડિયામાં 26 ઓક્ટોબરના રોજ પ્રિ-વાઈબ્રન્ટ કોન્ફરન્સ યોજાશે

“રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણ પર વેસ્ટર્ન ઝોનના વાઇસ ચાન્સેલર્સની કોન્ફરન્સ”

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ માટેના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ ઉપસ્થિત રહેશે

ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના 400 થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ) કોન્ફરન્સમાં ભાગ લેશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 26મી ઑક્ટોબર 2023ના રોજ કેવડિયા (નર્મદા જિલ્લો) ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગેની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના ભાગરૂપે એક પ્રિ-સમિટ તરીકે,  આ એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સનું આયોજન VGGS 2024ના પૂર્વાર્ધરૂપે સર્વસમાવેશક વિકાસની સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે VGGS 2024 પહેલા દેશના ટકાઉ વિકાસ માટે જરૂરી મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવા પૂર્વ-સમિટ સેમિનાર અને કાર્યક્રમોની શ્રેણી યોજવાનું આયોજન કર્યું છે.

આ પ્રસંગે આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ માટેના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ, ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશ કુમાર અને AICTEના અધ્યક્ષ પ્રો. ટી. જી. સીથારામ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

વધુમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના 400 થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલરો અને NEP સંયોજકો) આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ એક્સેસ ટુ ક્વૉલિટી એજ્યુકેશન એન્ડ ગવર્નન્સ- હાયર એજ્યુકેશન (ગુણવત્તાયુક્ત શિક્ષણની ઍક્સેસ અને શાસન – ઉચ્ચ શિક્ષણ), ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝીવ એજ્યુકેશન- ઈશ્યુઝ ઓફ સોશિયો-ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ (સમાન અને સમાવિષ્ટ શિક્ષણ – સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથના મુદ્દાઓ),

ક્રિએટીંગ સિનર્જી બિટવીન એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ ફ્યુચર ઓફ વર્ક ફોર્સ (કાર્યબળના શિક્ષણ અને કૌશલ્ય ભવિષ્ય વચ્ચે સમન્વયનું નિર્માણ), હોલિસ્ટીક એજ્યુકેશન થ્રુ ઈન્ટીન્ગ્રેશન ઓફ સ્કિલીંગ, ઈન્ડસ્ટ્રી કનેક્ટ એન્ડ એમ્પલોયેબિલીટી (કૌશલ્ય, ઉદ્યોગ જોડાણ અને રોજગાર ક્ષમતાના એકીકરણ દ્વારા સર્વગ્રાહી શિક્ષણ), ઈનોવેશન એન્ડ એન્ટ્રપ્રન્યોરશીપ (નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા), રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ), ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ એજ્યુકેશન (શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ), ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (ભારતીય જ્ઞાન પ્રણાલી) જેવા વિષયો પર ચર્ચાઓ કરશે.

IIM-અમદાવાદ, IIT-દિલ્હી, IIM બોધગયા, આંધ્ર પ્રદેશની સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી, નવી દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી સહિતની ટોચની યુનિવર્સિટીઓ સહિત દેશભરના વક્તાઓ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પોતાના મંતવ્યો રજૂ કરશે.

આ કોન્ફરન્સ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 (NEP-2020) ના વિવિધ પાસાંઓ જેમકે અમલીકરણ વ્યૂહરચનાઓ, બેસ્ટ પ્રેક્ટિસીસ અને સાફલ્યગાથાઓનું પ્રમોશન કરવું, તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સહયોગી આંતરદૃષ્ટિનો હેતુ ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શિક્ષણ નીતિના વિઝન અને ઉદ્દેશ્યો સાથે સુસંગત એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં માર્ગદર્શન આપવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.