Western Times News

Gujarati News

‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે ફરજ દરમ્યાન શહીદ થયેલ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાઈ પોલીસ એકેડેમી ખાતે  ‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે ફરજ દરમ્યાન શહીદ થયેલ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તેમજ વીરગતિને વરેલા પોલીસ જવાનો પ્રત્યે સમગ્ર ગુજરાત વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને કુદરતી આપત્તિઓમાં નાગરિકોને સહાય કરવાની પોલીસ દળના જવાનોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પોલીસકર્મીઓનું મોરલ બુસ્ટ થયું છે.

શાંતિ-સલામતિ- સુરક્ષા સાથેના વિકાસથી ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જીન બન્યું છે તેના મૂળમાં પોલીસ દળનું મહત્વપૂર્ણ યોગદાન છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ

પોતાનો નહીં સમાજ સમસ્તની સુરક્ષાનો વિચાર સદાય હૈયે રાખતા પોલીસ કર્મીઓ પ્રજાના સાચા પ્રહરી છે:મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાંતિ, સલામતી અને સુરક્ષા સાથેના વિકાસથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેના મૂળમાં પોલીસ દળના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પોલીસ દળના ફરજ પરસ્ત જવાનો ગમે તેવી કુદરતી આફત કે અન્ય આકસ્મિક ઘટનાઓમાં પોતાના જાનની પરવા કર્યા વિના સ્વ નો નહીં સમાજ સુરક્ષાનો ભાવ હૈયે રાખીને ફરજ બજાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક કરાઈ પોલીસ અકાદમી ખાતે આયોજિત પોલીસ શહિદ સ્મૃતિ દિવસે દિવંગત પોલીસ કર્મીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ફરજ દરમિયાન વીરગતિને વરેલા પોલીસ કર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ઉમેર્યું કે, પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વિના, વાર-તહેવાર, કોઈપણ પ્રસંગ જોયા વિના ૨૪x૭ ફરજમાં ખડે પગે રહેતા પોલીસ કર્મીઓ સમાજ જીવનના સાચા રક્ષક છે.

તેમણે કહ્યું કે, પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અન્યના જીવ બચાવવા એટલું જ નહીં, કપરા સમયે ફરજ પર અડગ રહી સમાજ સુરક્ષા કરવી એ વિચારનો અમલ જ પોલીસ કર્મીઓની કર્તવ્ય નિષ્ઠાને વંદનને પાત્ર બનાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વમાં પોલીસ દળનું મોરલ બૂસ્ટ અપ થયું છે. ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણો માટે આવે છે કેમકે તેમને શાંતિ, સુરક્ષા, સલામતીનો અહેસાસ આપણા પોલીસ દળની નિષ્ઠાપૂર્વકની ફરજોથી થાય છે તેનો મુખ્યમંત્રીશ્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળના વીર શહીદોના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના પ્રગટ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે છે અને જરૂર જણાયે વધુ સક્રિયતાથી પડખે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે.

વીર પોલીસ જવાનોના બલિદાન, ત્યાગ અને સમર્પણની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખીને ગુજરાતની શાંતિ, સુરક્ષા, સલામતી અને વિકાસની ગાથા અવિરત ગતિશીલ રાખવા સૌને સાથે મળી આગળ વધવાનું આહવાન આ તકે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ૧૯૫૯માં ૨૧ ઓક્ટોબરે લદાખમાં હુમલામાં શહિદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિ કાયમ રાખવા દર વર્ષે ૨૧મી ઓક્ટોબરને પોલીસ શહિદ સ્મૃતિ દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે તેની ભૂમિકા આપી હતી.

શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણી સરહદોની રક્ષા દુશ્મન સામે અડીખમ રહીને સેનાના જવાનો કરે છે. દેશની આંતરિક સુરક્ષા, સમાજ જીવનને ડ્રગ્સ, વ્યસનખોરી, આતંકવાદ, અત્યાચારથી સુરક્ષિત રાખવાની ઉમદા કામગીરી પોલીસ દળ કરે છે.

તેમણે કહ્યું કે, ટાઢ-તાપ, વરસાદ, ગરમી વેઠીને પણ પોતાના પરિવાર-બાળકોને ભૂલીને પોલીસના કર્તવ્યનિષ્ઠ જવાનો ટ્રાફિક નિયમન, ગુનાખોરી નિયંત્રણ માટે સદૈવ ફરજ રત રહે છે

પ્રજાના આવા ઉમદા સેવક અને પ્રજા જીવનના પ્રહરી પોલીસ કર્મીઓ પ્રત્યે સમાજનો અભિગમ પણ પ્રોત્સાહક બને તેવી અપીલ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કરી હતી.

ગૃહ રાજ્યમંત્રીએ વીર શહિદ પોલીસ જવાનોના પુણ્ય સ્મરણ સાથે સેવા રત જવાનો-કર્મીઓની સેવા નિષ્ઠાને પોલીસ શહિદ સ્મૃતિ દિવસે લોકો યાદ કરી જ્યાં પોલીસ દેખાય ત્યાં એક સન્માન સલામ જરૂર કરે તેવું પ્રેરક આહવાન પણ કર્યું હતું.

પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયે પોલીસ શહિદ સ્મૃતિ દિવસના કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી સૌને આવકાર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ શહિદ વીર જવાનોને પુણ્યાંજલિથી ભાવસભર વંદન કર્યા હતા. આ વેળાએ અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને શહિદ જવાનોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.