Western Times News

Gujarati News

ચોરી થયેલા વાહનોમાંથી પોલીસ વિભાગ માત્ર 50 ટકા વાહનો શોધી શકી

અમદાવાદમાં છેલ્લા ૬ વર્ષમાં ૯૮૪૯ વાહનો ચોરાયાઃ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગુનાખોરીના પ્રમાણમાં વધારો થઈ રહયો છે. મોટા ગુનાઓની સાથે વાહન ચોરી જેવા ગુના પણ દિવસે દિવસે વધી રહયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૬ વર્ષ દરમિયાન ૯૮૦૦ કરતા પણ વધુ નાના-મોટા વાહનોની ચોરી થઈ હોવાની વિગતો અમદાવાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જાહેર થઈ હતી.

સ્માર્ટ સીટી અમદાવાદમાં તસ્કરોની સામ્રાજય વધી ગયું છે જેની સામે પોલીસની કામગીરી નબળી પડી રહી હોવાનું સ્પષ્ટ જણાય છે. અમદાવાદ શહેરમાં ર૦૧૮થી સપ્ટેમ્બર ર૦ર૩ સુધીના સમયગાળા દરમિયાન કુલ ૯૮૪૯ વાહનોની ચોરી થઈ છે જેની સામે પોલીસ વિભાગ દ્વારા માત્ર પ૦ટકા જ વાહનો શોધવામાં આવ્યા છે.

પોલીસ વિભાગે ચોરી થયેલા વાહનો પૈકી ૪૯૯૦ વાહનો શોધ્યા છે જે પૈકી ૪૬ર૬ વાહનો મુળ માલિકોને પરત આપ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે વાહન ચોરી મામલે પ૭૪પ ચોરોને પકડયા છે જયારે ૧પ હજી સુધી પકડાયા નથી આ આંકડા પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ગુનેગારોની સંખ્યા પણ વધી રહી છે.

અમદાવાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમના જણાવ્યા મુજબ શહેરમાં વાહનચોરીના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહયું છે. શહેર પોલીસ વાહનચોરી અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે

શહેરના તમામ રોડ રસ્તા પર સીસીટીવી કેમેરા હોવા છતાં વાહનોની ચોરી થાય છે અને ચોર પકડાતા પણ નથી તે પરથી એવું લાગી રહયું છે કે શહેર પોલીસ વિભાગને વાહનચોરો પકડવામાં કોઈ રસ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.