Western Times News

Gujarati News

દવાઓ ખરીદતાં પહેલાં ચેતી જજોઃ ચાલી રહ્યુ છે નકલી દવાઓનું કૌભાંડ

પ્રતિકાત્મક

રૂ. ૧૭.૫ લાખ કિમતનો જથ્થો અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જપ્ત કરાયો છે.

(એજન્સી)અમદાવાદ, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખ કિમતનો જથ્થો જપ્ત કરાયો છે.

ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ-૧ ને મળેલ બાતમી આધારે ૨૦/૧૦/૨૦૨૩ના રોજ અમદાવાદ વિભાગના ઔષધ નિરીક્ષકો દ્વારા જે. એ. પટેલ, નાયબ કમિશનર (આઈ.બી.) અને અશ્વિન રાદડિયા, મદદનીશ કમિશનર, અમદાવાદ વિભાગ-૧ ની દેખરેખ હેઠળ સફળ રેડ કરી ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ સોદારામ કુમ્હાર, રહે. હાઉસ નંબર ૧૭૨૨, બીજાે માળ, વાડા પોળ, ખાડીયા, અમદાવાદ પાસે થી નકલી દવાનો કુલ ૯૯ બોક્ષ કુલ રુ. ૨,૬૧,૨૫૦/- નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવેલ છે. આ દવાઓ ની પ્રાથમિક તપાસ માં આ દવાઓ ના ઉત્પાદક ડી.જી.ફાર્માસ્યુટિકલ બડ્ડી, હિમાચલ પ્રદેશ હોવાનું જાણવા મળ્યુ હતું,જે બાબતે ડ્રગ કંટ્રોલર, હિમાચલ પ્રદેશ સાથે કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા પૃચ્છા કરતા આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું છે.

ખિમારામ સોદારામ કુમ્હારની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા, રહે. ૨૦, રાજનગર સોસાયટી, વટવા, અમદાવાદ નામના વ્યકિતપાસેથી ખરીદો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરાની પુછપરછ કરતા તેઓએ સદર દવાનો જથ્થો વિપુલ દેગડા, રહે. જે – ૪૦૨, શાકુંતલ એપાર્ટ્‌મેંટ, રાજધાની બંગ્લોઝની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ નામના વ્યકિત પાસેથી ખરીદો હતો.

તેના રહેઠાણની ભાળ મેળવી અમદાવાદના ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ કરતા વિપુલ દેગડા પાસેથી જુદી જુદી ૫ (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા ૪,૮૩,૩૦૦/- થવા જાય છે તે જપ્ત કરેલ છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓ દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ, રહે. ૧, પારુલ સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ પાસેથી વગર બીલે મેળવ્યો હતો જે બાબતે દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ દ્વારા ઇન્કાર કરતાં વધુ તપાસ ચાલુ છે.

તેમણે ઉમેર્યુ કે વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેઓએ આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે.

આથી કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યની વડી કચેરીના માર્ગદર્શન હેઠળ રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા ૧૦.૫૦ લાખ નો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન, ૧૯૪૦ ની ધારા કલમ -૧૮ (સી) અને તે અન્વયે ના નિયમો ના ભંગ બદલ આ ઇસમો સામે આગળ ની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોચાડતા હતા પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશન ને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે.

આ દવાઓ જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.