Western Times News

Gujarati News

TiEcon Vadodara દ્વારા સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023 માટે ચોથી આઉટરીચ ઇવેન્ટ યોજાઇ

શિક્ષણ વિભાગના સહયોગથી કરાયું આયોજન

TiEcon Vadodara દ્વારા સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023 માટે ચોથી આઉટરીચ ઇવેન્ટ યોજાઇ હતી. ગુજરાત શિક્ષણ વિભાગના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવ 7મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે યોજાશે જેમાં થકી ઉભરતા ઉદ્યોગસાહસિકોને એક મોટું પ્લેટફોર્મ પૂરું પડશે.

આ આઉટરીચ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ગુજરાત નોલેજ સોસાયટીના અધિક CEO પ્રો. તુષાર રાવલ, TiE વડોદરાના પ્રમુખ શ્રી નિલેશ શુક્લા અને iHub ગુજરાતના CEO શ્રી હિરન્મય મહંતા સહિત અનેક અગ્રણી અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સ્ટાર્ટઅપ કોન્ક્લેવ વિશે અગત્યની માહિતી આપતી વિડિઓ પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી.

શ્રી હિરન્મય મહંતાએ ગુજરાતના વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો પરિચય આપ્યો અને 2023 કોન્ક્લેવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ભારતમાં સ્ટાર્ટઅપ્સની વિકસતી ગતિશીલતા પર પ્રકાશ પાડવાની સાથે ઉદ્યોગસાહસિક સાહસો પ્રત્યે વધતી જતી રુચિ અને એવા સાહસ અંગેના દૃષ્ટિકોણમાં આવેલા પરિવર્તન પર ભાર મૂક્યો હતો.  વધુમાં તેમણે રાજ્યની ઉદ્યોગસાહસિક ભાવનાને ઉજાગર કરવાના હેતુથી બનાવવામાં આવેલી SSIP નીતિનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો.

શ્રી બંછાનિધિ પાનીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની SSIP નીતિ થકી વિદ્યાર્થીઓમા સ્ટાર્ટઅપ્સ કરવા માટેની વધતી જતી રુચિ તેમજ વિકસતી અર્થવ્યવસ્થામાં સ્ટાર્ટઅપ્સના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઉર્જાવાન બનાવવામાં સરકાર દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

વધુમાં તેમણે ESG (Environmental, Social, and Governance/પર્યાવરણીય, સામાજિક અને વહીવટી) અને સસ્ટેનેબલ ક્ષેત્રોમાં વ્યવસાયો માટે વ્યાપક અવકાશ હોવાનું જણાવ્યું હતું. આ સાથે પ્રેક્ષકોને આગામી કોન્ક્લેવમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા.

આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023 સંબંધિત કોઈપણ પ્રશ્નોના નિરાકરણ માટે Q&A સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રેક્ષકોના સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023 સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ   અગ્રણી મહેમાનશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આ સત્ર દરમ્યાન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સંવાદ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.