Western Times News

Gujarati News

ફુગ્ગાવાળા બની સુરત પોલીસે દિલ્હીથી આરોપીને ઉપાડી લીધો

સુરત, શહેરના ભટાર સ્થિત સોસાયટીના મકાનમાં ત્રણ માસ અગાઉ થયેલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનામાં મધ્યપ્રદેશની કુખ્યાત “પારઘી” ગેંગના સાગરીતની ખટોદરા પોલીસે દિલ્હી ખાતેથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગેંગ પોલીસ પર પણ હુમલો કરવાની ટેવ ધરાવતી હોવાથી ખટોદરા પોલીસે ખૂબ જ સિફતપૂર્વક ઓપરેશન હાથ ધરી દિલ્હી ખાતેથી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે.

ખટોદરા પોલીસની ટીમે ચારથી પાંચ દિવસ સુધી દિલ્હી ખાતે સતત વર્કઆઉટ કરી ફુગ્ગાનું વેચાણ કરતા ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો. જ્યાં દિલ્હી ખાતે લાગેલા મેળા બહાર પોતાના પરિવારને મળવા આવેલા ઘરફોડ ચોરીના મુખ્ય આરોપીને ખટોદરા પોલીસે દબોચી સુરત લઈ આવી હતી. જ્યાં ગેંગમાં સામેલ અન્ય ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે માત્ર એક મોબાઈલ નંબર ટ્રેસ કરી આરોપીઓના પરિજનો સુધી પહોંચી હતી. જ્યાંથી આરોપીનું પગેરું પોલીસના હાથે લાગ્યું હતું. સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત ૨૮મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.

જગદીશ સુખાભાઈ આહિરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં, કાંડા ઘડિયાળ, મોબાઈલ તેમજ ૫.૫૪ લાખની રોકડ રકમ સહિત ૧૧.૩૬ લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ-અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું.

જેના આધારે ખટોદરા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી. મધ્યપ્રદેશનું કનેરી ગામ કુખ્યાત આરોપીઓના નામે જાણીતું હોવાથી પોલીસે ખૂબ જ શિફ્ટપૂર્વક અહીં વર્કઆઉટ કર્યું હતું. મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓના પરિજનો સુધી પહોંચી હતી, જ્યાંથી હેમખેમ આરોપીઓની માહિતી કઢાવવામાં પોલીસને જે તે સમયે સફળતા મળી હતી. જાે કે સતત આરોપીઓના વોચમાં રહેવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નહોતી. જેથી ખટોદરા પોલીસની ટીમે પરત ફરવાની ફરજ પડી હતી.

જ્યાં આ વખતે ખટોદરા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ભટાર ખાતે થયેલ લાખોની ઘરફોડ ચોરીની ઘટનામાં મધ્યપ્રદેશની કુખ્યાત”પારઘી”ગેંગનો હાથ છે અને આ ગેંગના મુખ્ય આરોપી સહિતના સાગરીતો દિલ્હી સ્થિત ખજૂરી ચાર રસ્તા નજીક લાગેલ મેળા બહાર પોતાના પરિજનોને મળવા આવવાનો છે. જે માહિતીના આધારે ખટોદરા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી દિલ્હી ખાતે રવાના કરી હતી.

અહીં મુખ્ય આરોપી સહિતના સાગરીતો પોલીસ ઉપર પણ હુમલો કરવામાં કુખ્યાત હોવાના કારણે ખટોદરા પોલીસની ટીમે પણ ખૂબ જ સતર્કતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં પોલીસ ફુગ્ગાનું વેચાણ કરતા ફેરિયાનો વેશ ધારણ કરી આરોપીઓની સતત વોચમાં રહી હતી. દિલ્હી સ્થિત ખજૂરી ચાર રસ્તા નજીક લાગેલ મેળાની બહાર જ ફૂટપાથ પર રહી પોલીસના માણસોએ ફુગ્ગા વેચી આરોપીઓને ઝડપી પાડવા અથાગ મહેનત કરી હતી.

આ માટે પોલીસના માણસોએ ૭૦૦ રૂપિયાના ફુગ્ગાની ખરીદી કરી હતી અને ફેરિયાનો વેશ ધારણ કરી ફુગ્ગાનું વેચાણ કર્યું હતું. આ વચ્ચે પોતાના પરિજનોને મળવા આવી પહોંચેલા અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ “પારઘી” ગેંગના મુખ્ય આરોપી અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકીને દબોચી પાડી સુરત લઈ આવી હતી. ખટોદરા પોલીસ દ્વારા આરોપી અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

જ્યાં પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકી અને તેના અન્ય ચાર સાગરીતો દ્વારા ખટોદરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઠાકોર પાર્ક સોસાયટીની પાછળ આવેલ આંબાની વાડીની દીવાલ વાટે આરોપીઓ લોખંડની ગ્રીલને કોઈ સાધન વડે બેન્ડ કરી બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં બેડરૂમમાં રહેલા સોનાના અલગ-અલગ ઘરેણાં સહિત ૧૧.૩૬ લાખની મત્તા પર હાથફેરો કરી ટ્રેન મારફતે પોતાના વતન ફરાર થઇ ગયા હતા.

વધુમાં ઝડપાયેલા આરોપી અભય ઉર્ફે અક્ષય સોલંકીની સાથેના અન્ય સાગરીતો રીઢા ગુનેગારો છે. જે આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારમાં અલગ અલગ ગુના નોંધાઇ ચુક્યા છે. ભૂતકાળમાં પોલીસ ઉપર હુમલો પણ આ પારઘી ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે.

જેથી મધ્યપ્રદેશની આ પારઘી ગેંગ હુમલો કરવાની પણ ટેવ ધરાવે છે. ખટોદરા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ દિવસ દરમ્યાન શહેરી વિસ્તારોમાં ફુગ્ગા અને રમકડાં વેચવા પોતાની મહિલાઓ જાેડે ફરી જે તે મકાનોની રેકી કરે છે. લગ્નપ્રસંગ હોય તેવા મકાનોની બહાર ફુગ્ગા અને રમકડાં વેચવાના બહાને મકાનોની રેકી કરી ત્યાર બાદ રાત્રીના સમયે પારઘી ગેંગના તમામ સાગરીતો ટાર્ગેટ કરેલા મકાનોને નિશાન બનાવે છે.

જેમાં ભટાર ખાતે આવેલ ઠાકોર પાર્ક સોસાયટીના મકાનની પણ આરોપીઓ દ્વારા પહેલા રેકી કરી અને ત્યાર બાદ ગુનાને અંજામ આપ્યો હતો. જે ગુનાનો ભેદ હાલ તો પોલીસે ઉકેલી કાઢી “પારઘી” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.