Western Times News

Gujarati News

દિપાવલી અને નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને: મુખ્યમંત્રી

File

દિપાવલી પર્વ અને નૂતન વર્ષની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દિપાવલીની દીપમાળા, દીવડાઓની પ્રકાશજ્યોત અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે.

તેમણે દિવાળીના આ પર્વો જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોતથી સજાવવાની અભ્યર્થના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ સત્ય નિષ્ઠાથી વિકાસ માટેના પ્રકાશ દિવડા પ્રગટાવીને ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ ની ઝળહળતી મશાલ પ્રજ્વલિત કરીએ.

વિઝનરી લીડર અને વિશ્વના લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસના નાંખેલા મજબૂત પાયાને સૌ કોઈ ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ દિપાવલી અને નુતન વર્ષ પ્રકાશ પર્વ સાથોસાથ સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને તેવી અભિલાષા દર્શાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.