Western Times News

Gujarati News

ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

કેનેડાથી મોહભંગ!

અરજીની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાની પ્રથમ નોંધ

બેટર ડ્‌વેલિંગ આઉટલેટ દ્વારા કરવામાં આવી હતી

નવી દિલ્હી, છેલ્લા ઘણા સમયથી હાયર એજ્યુકેશન માટે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા હોટ ફેવરિટ દેશ બન્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે. આ ઉપરાંત કેનેડાના પીઆર મેળવવામાં પણ ભારતીયઓ આગળ પડતા છે. જોકે, હાલમાં કેનેડામાં અભ્યાસ માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષના ઉત્તરાર્ધમાં નાટ્યાત્મક ઘટાડો થયો છે. જુલાઈથી ઓક્ટોબર ૨૦૨૩ના સમયગાળા માટે ભારતમાંથી નવી સ્ટડી પરમિટ માટે અરજીઓની સંખ્યા ઘટીને ફક્ત ૮૬,૫૬૨ થઈ ગઈ છે. જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૧,૪૫,૮૮૧ હતી. આમ આ સમયગાળામાં નવી અરજીઓની સંખ્યામાં લગભગ ૪૦%નો ઘટાડો નોંધાયો છે.

અરજીઓમાં આ ઘટાડો ભારત અને કેનેડા વચ્ચેના વણસેલા સંબંધો સાથે જોડાયેલો નથી. કારણ કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સામેલગીરીના “વિશ્વસનીય આરોપો” વિશે હાઉસ ઓફ કોમન્સમાં વડાપ્રધાન જÂસ્ટન ટ‰ડોનું નિવેદન ૧૮ સપ્ટેમ્બરમાં આવ્યું હતું. જ્યારે આ ઘટાડો તેના પહેલા જોવા મળી રહ્યો છે. અરજીની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાની પ્રથમ નોંધ બેટર ડ્‌વેલિંગ આઉટલેટ દ્વારા કરવામાં આવી હતી. જેણે નોંધ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કેનેડાના શોષણ અંગેની ચર્ચા આ અણબનાવની આગળ એક મોટો મુદ્દો બની જવાની “વધુ સંભાવના” છે.

વધુ અને વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે, ખાસ કરીને હાઈ કોસ્ટ ઓફ લિવિંગ એટલે કે રહેવાનો ઊંચો ખર્ચો અને જે પ્રોમિસ કરવામાં આવ્યું હતું તે તકોનો અભાવ મુખ્ય બાબત છે. એટલે કે બેટર ડ્‌વેલિંગના કહેવા પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં રહેવાનો ખર્ચો મોંઘો પડી રહ્યો છે. આ ઉપરાંત રોજગારીની પૂરતી તકોનો અભાવ પણ નડી રહ્યો છે. આઉટલેટે જણાવ્યું હતું કે, જ્યારે પોલિસીમેકર્સે સૌપ્રથમ વિદ્યાર્થિઓને પરવડે તે માટે તેમની સંખ્યાને મર્યાદિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો ત્યારે એવું લાગે છે કે તેઓ બચાવનો પ્રયાસ કરી રહ્યા હતા.

લોકોએ હજી સુધી ડેટા જોયો ન હતો, પરંતુ તેઓ પહેલેથી જ કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા લોકોની સંખ્યામાં થઈ રહેલા તીવ્ર ઘટાડાથી વાકેફ હતા. ઓગસ્ટમાં કેનેડાના હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝના મંત્રી સીન ફ્રેઝરે કહ્યું હતું કે દેશમાં કેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રવેશ કરે છે તેના પર એક કેપ મૂકવી એ “આપણે ધ્યાનમાં લેવાના વિકલ્પોમાંથી એક છે. વાર્ષિક ઈન્ટેકના આંકડાઓમાં પણ ઘટાડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

૨૦૨૨માં IRCC દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત અરજીઓની સંખ્યા ૩,૬૩,૫૪૧ હતી. જ્યારે ૨૦૨૧માં ૨,૩૬,૦૭૭ અરજીઓ મળી હતી. પરંતુ ૨૦૨૩માં ઓક્ટોબર સુધી કુલ ૨,૬૧,૩૧૦ અરજીઓ મળી છે. કેનેડામાં જેટલા પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવે છે તેમાંથી અડધો અડધ ભારતીયો હોય છે. ઓવરઓલ આંકડામાં પણ અરજીઓની સંખ્યામાં નોંધાયેલો ઘટાડો જોઈ શકાય છે. ગયા વર્ષે કુલ અરજીઓની સંખ્યા ૭,૩૬,૧૬૬ હતી અને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં આ સંખ્યા ૭,૨૪,૬૧૧ પર છે. કોવિડ-૧૯ રોગચાળા પછી ભારતમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અરજીઓમાં આ પ્રથમ ઘટાડો છે તથા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વધતા તણાવથી પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.