Western Times News

Gujarati News

કાર્તિક માસની માસિક શિવરાત્રીની સોમનાથ મંદિર ખાતે ઉજવણી

સોમનાથ, સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચતા હોય છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટની ૧૨૨મી બેઠકમાં ટ્રસ્ટના માન.અધ્યક્ષ શ્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવાયેલ સંકલ્પ અનુસાર પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિર મંદિર સમીપ યજ્ઞશાળામાં સચિવશ્રી સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક ૧૨૧ રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક મહારુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક મહારુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના ૧૦ઃ૦૦ કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ , ઈન.જનરલ મેનેજર શ્રી સહિતના મહાનુભાવો તેમજ ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.

માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ ૧૨ઃ૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્‌યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.