Western Times News

Gujarati News

હોટલની આડમાં ચાલતું ડિઝલ ચોરીનું કૌભાંડ પકડાયું

૧.૧૨ લાખનો ડિઝલનો જથ્થો,પીકઅપ ગાડી, ચોરીના સાધનો મળી ૨.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે પર ચાલતાં ગોરખધંધાઓ પર તવાઈ બોલાવાની એસપીની સૂચનાના આધારે ભરૂચ એલસીબીની ટીમે ભરૂચ હાઈવે ઉપર નબીપુર નજીક આવેલી ખાલસા પંજાબી હોટલમાં દરોડો પાડી ડિઝલ ચોરીના કૌભાંડના પર્દાફાશ કરવા સાથે હોટલના સંચાલકની ધરપકડ કરી છે.

ભરૂચ જીલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોને કારણે જીલ્લામાં ભારદારી વાહનોની અવર-જવર વધુ હોય છે.અન્ય જીલ્લા તેમજ રાજ્ય માંથી આવતી ટ્રક- ટ્રેલર તેમજ કન્ટેઈનર સહિતના ભારદારી વાહનોના ડ્રાઈવરો ભોજન માટે તેમજ વિશ્રામ માટે હાઈવેની હોટલો પસંદ કરતાં હોય છે.જ્યાં તેઓ તેમના વાહનો પાર્ક કરી ત્યાં જ આરામ કરતાં હોય છે.ત્યારે આવા ડ્રાઈવરોનો સંપર્ક કરી બેનંબરિયાઓ ડિઝલ ચોરી, કેમિકલ ચોરી સહિતના વિવિધ કૌભાંડોને અંજામ આપતાં હોય છે.

ભરૂચ એલસીબીના પીએસઆઈ પી.એમ.વાળા તેમજ તેમની ટીમ કોમ્બિંગ નાઈટમાં હતી.તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર નબીપુર બ્રીજ દક્ષિણ છેડે સર્વિસ રોડની બાજુમાં આવેલી ખાલસા પંજાબી હોટલ ખાતે ડિઝલનો શંકાસ્પદ જથ્થો સંગ્રહ કર્યો છે.જેના પગલે ટીમે તેના ત્યાં દરોડો પાડતાં હોટલના સકુલમાં આવેલાં એક સફેદ કલરના ૨૦૭ પીકઅપ ટેમ્પોમાં મુકેલાં

એક ટેન્કમાં તેમજ કંપાઉન્ડમાં જ જૂની અને કંડમ થયેલી ત્રણ ટ્રકોની ઈંધણ ટાંકી માંથી કુલ ૧૨૨૦ લીટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો.તેમજ ડિઝલ ટ્રાન્સ્પરો કરવાના કારબા,પાઈપ,લોખંડની ગળણી સહિતના સાધનો મળી આવ્યા હતા.જેના પગલે ટીમે ૧.૧૨ લાખના ડિઝલ સહિત કુલ ૨.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ટીમે હોટલના સંચાલક અને ડિઝલ ચોરીનો કારસો રચનારા રણજીતસિંગ સતનામસિંગ ગીલ (રહે. નવીનગર, નબીપુર, મુળી રહે. વેરોવાલ, તરનતારન પંજાબ) ની પણ ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

અંક્લેશ્વર સહિત દહેજ, વાગરા-સાયખા જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી સહિત ભરૂચ જીલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગો ધમધમે છે. કંપનીઓના રો-મટિરીયલ તેમજ પ્રોડક્ટની હેરાફેરી માટે ભારદારી વાહનોની અવર-જવર વધુ હોય છે. ત્યારે કેટલાંક ડ્રાઈવરો વધુ રૂપિયા કમાઈ લેવાની લાલસામાં ડિઝલ વેંચી દેવા સાથે અનેકવાર કંપનીના પ્રોડક્ટ અને રો-મટિરીયલ પણ ચોરી કરી વેચી દેતાં હોય છે. ત્યારે હોટલનો સંચાલક ડિઝલ ચોરીનું કૌભાંડ આચરતો હોવાનું માલુમ પડતાં અમારી ટીમે દરોડો પાડ્‌યો હતો અને મુખ્ય આરોપીને ઝડપી પડાયો છે. હાલમાં તેના રિમાન્ડ મેળવવાની કવાયત ચાલી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.