Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા અને પોશીનાના TDOને નબળી કામગીરી મુદ્દે નોટિસ

હિંમતનગર, રાજય સરકાર દ્વારા છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ૧પમાં નાણાપંચની જોગવાઈ કરાઈ છે. પરંતુ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના ટીડીઓ દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રર અને ર૦રર-ર૩ના વર્ષમાં નબળી કામગીરી કરી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવતા બંને ટીડીઓને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો પુછાયો છે.

નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક જરૂરીયાત ધરાવતા ગામોની પસંદગી કરીને ગામડાઓમાં ગટર, પીવાનું પાણી તેમજ માળખાગત સુવિધાઓ જેવા કે રોડ, રસ્તા, મકાનો બનાવવા માટેની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. ૧પમાં નાણાપંચની યોજનાઓ અંતર્ગત વર્ષ ર૦ર૦-ર૧, ર૦ર૧-રર તેમજ ર૦રર-ર૩માં પણ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વોરા દ્વારા ૧પમાં નાણાપંચના કામોની સમીક્ષા માટે તાલુકા વિકાસ અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી જેમાં દરેક તાલુકામાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમિયાન પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં માત્ર ૬પ.૯પ ટકા જેટલી નબળી સિદ્ધિ હાંસલ કરવામાં આવી હોવાનું જણાયું હતું.

ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં થયેલી નબળી કામગીરીથી નારાજ થયેલા જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વોરા દ્વારા ખેડબ્રહ્મા અને પોશીનાના તાલુકા વિકાસ અધિકારીઓને ક્યા કારણોસર નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો થઈ શકયા નથી તે અંગેનો ખૂલાસો માંગવામાં આવ્યો છે. જેના કારણે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.