Western Times News

Gujarati News

વડોદરા જિલ્લાના સખી મંડળો દ્વારા નિર્મિત ફરસાણનું “રેવા” બ્રાન્ડથી વેચાણ કરાશે

વુડા વિસ્તારમાં આવેલા ૮૧ ગામોમાં ઘન કચરાના એકત્રીકરણ અને નિકાલના રૂ. ૧૧ કરોડના પ્રોજેક્ટનો મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલાઓને માઇક્રો આન્ત્રપ્રિન્યોર બનાવવા માટે કરવામાં આવેલા આહ્વાનને ઝીલીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક આગવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની સખી મંડળની ઉદ્યમી મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ફૂડ પ્રોડક્ટને ‘બ્રાંડ નેમ’ આપીને માર્કેટ લિંકેજ કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ ફૂડ પ્રોડક્ટને ‘રેવા, માંના રસોડામાંથી’ નામ આપી વેચાણના ઉપક્રમનો તા. ૨૨ના રોજ પ્રારંભ કરાવશે. તેઓ આ કાર્યક્રમમાં લોગોનું અનાવરણ કરશે.

કલેક્ટર શ્રી અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઉક્ત આહ્વાને નવતર રીતે ઝીલ્યું છે. વડોદરા જિલ્લામાં ખાદ્યપદાર્થોના નિર્માણ સાથે જોડાયેલા સખી મંડળોની પ્રોડક્ટને પ્રોફેશનલ તરીકાથી બજારમાં મૂકવાનું વિચારવામાં આવ્યું છે.

વિશેષ વાત તો એ છે કે, સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતા વિવિધ ફરસાણ જેવા કે, ખાખરા, ગાંઠિયા, ચકરી, ચેવડાનો સ્વાદ અને ગુણવત્તા એટલી સરસ હોય છે કે બસ તેને લોકો સુધી પહોંચાડવાની જરૂરત છે. આ બાબતને ધ્યાને રાખી સખી મંડળ દ્વારા નિર્મિત આ ફરસાણને રેવા નામ આપવામાં આવ્યું છે. રેવા એ રિજુવેનાઇટિંગ એન્ડ એમ્પાવરિંગ વીમેન્સ એસ્પિરેશન્સનું મિતાક્ષર છે.

સખી મંડળની બહેનો દ્વારા બહુ જ પ્રેમભાવ અને મહેનતથી બનાવાતી વિવિધ વસ્તુઓ આરોગવામાં સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ તમને માંના હાથની રસોઇની પ્રતીતિ કરાવે છે. પ્રારંભિક તબક્કામાં જિલ્લાના ૧૫ સખી મંડળની ૧૫૦થી વધુ મહિલાઓને આ ઉપક્રમમાં સાંકળવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી આ સખી મંડળને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે નાઇટ્રોઝન ફિલિંગ પેકેજિંગ મશીન બેંક લોનથી આપવામાં આવ્યું છે. એટલે ખાદ્યવસ્તુઓ તરોતાજા રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રવૃત્તિનો તબક્કાવાર વિસ્તાર કરી વધુ સખી મંડળો, મહિલાઓને જોડવામાં આવશે. મહિલાઓને માઇક્રો આન્ત્રપ્રિન્યોર બનાવવાની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ કદમ છે.

આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના વુડા વિસ્તારમાં આવતા વડોદરા ગ્રામ્ય, પાદરા અને વાઘોડિયા તાલુકાના ૮૧ ગામોમાંથી ઘનકચરાના નિકાલ માટેના પ્રોજેક્ટનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ વુડા વિસ્તારમાં આવતા ૮૧ ગામોની ૨.૭૬ લાખની વસ્તીને લાભ થશે. પ્રોજેક્ટ હેઠળ ડોર ટુ ડોર ઘનકચરાને એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. આ માટે નિયત થયેલી સંસ્થા દ્વારા જૂનો કચરો પણ એકત્ર કરવામાં આવશે અને બાદમાં ત્રણ વર્ષ સુધી કામગીરી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે.

આજવા રોડ ઉપર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ સહિત શહેર અને જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.