Western Times News

Gujarati News

પ્રાંતિજમાં ઝડપાયેલો દારૂ અમદાવાદના કયા બુટલેગરે મંગાવ્યો?

પ્રતિકાત્મક

ડમી સિમકાર્ડથી ધમધમતું દારૂનું નેટવર્ક બુટલેગરની નવી મોડસ ઓપરેન્ડી-પોલીસ ખેપિયાને પકડે પણ ક્યા બુટલેગરને માલ આપવાનો છે તે બહાર આવતું નથી 

(એજન્સી)અમદાવાદ, બુટલેગર વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી દારુનો જંગી જથ્થો ગુજરાતના વિવિધ ખૂણામાં મંગાવી રહ્યા છે. દારુની હેરફેરને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી), પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (પીસીબી) ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ એક્ટિવ મોડ પર છે.

રોજ લાખો રૂપિયાનો દારૂ પોલીસની વિવિધ એજન્સી પકડી રહી છે તેમ છતાંય દારૂનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બુટલેગર્સે દારૂનો ધંધો કરવાની ટ્રિક બદલી નાંખી છે. જેના કારણે પોલીસની એજન્સીઆએ માત્ર દારૂની ખેપ મારનાર ડ્રાઈવરની જ ધરપકડ કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ એજન્સીઓ દારૂ મંગાવનાર બુટલેગર સુધી પહોંચી શકતી નથી.

જેની પાછળનું કારણ ડમી સિમકાર્ડ છે. બીજા રાજ્યમાંથી ઠેકેદાર દારૂ મોકલાવે અને બુટલેગર મંગાવે ત્યારે નવા સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બુટલેગર દારૂનો જથ્થો મળી જાય ત્યારે તે સિમકાર્ડ બંધ કરી દે છે. ક્રિસમસનો તહેવાર શરુ થઈ ગયો છે ત્યારે શહેરમાં દારુ પાર્ટી યોજવા માટે યુવાનો થનગનાટ કરી રહ્યાં છે. બુટલેગર યુવાનોને રીઝવવા માટે દારુનો સ્ટોક કરી રહ્યાં છે તેવામાં પોલીસની વિવિધ એજન્સી પણ સક્રિય થઈ ગઈ છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર માટે ગજાના બુટલેગર અને ઠેકેદારો સુધી પોલીસ એજન્સી પહોંચી ના શકે તે માટે નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું છે કે છેલ્લાં ઘણા સમયથી અમદાવાદમાં આવતાં દારુના જથ્થાને ઝડપી પાડવામાં આવી રહ્યો છએ. જેમા ંબુટલેગર સુધી પહોંચી શકાતું નથી કારણ કે ખેપિયા પાસે તેનો મોબાઈલ નંબર હોય છે.

ખેપિયાને આદેશ આપવામાં આવ્યો હોય છે કે એસપી રિંગ રોડ પર પહોંચ્યા બાદ બુટલેગર અથવા તો તેનો સાગરીત દારૂનો જથ્થો લેવા માટે આવશે. ખેપિયો એસપી રિંગ રોડ પર પહોંચી ગયા બાદ ઠેકેદારને ફોન કરે છે અને બાદમાં ઠેકેદાર બુટલેગરને ફોન કરીને દારુનો જત્થો લેવા મોકલે છે. જો પોલીસ દારુનો જથ્થો ઝડપી પાડે તો તરત જ બુટલેગર અને ઠેકેદાર બંને પોતાના ડમી નંબર બંધ કરી દેતા હોય છે.

કદાચ ખેપિયો ઠેકેદારનું નામ કબૂલ કરે દે તો પોલીસ તેની ધરપકડ કરતી હોય છે. ઠેકેદાર હાથમાં આવી ગયા બાદ કદાચ બુટલેગરનું નામ સામે આવી શકે છે. બુટલેગરની આ મોડસ ઓપરેન્ડીના કારણે પોલીસ અને એજન્સી ત્રાહિમામ પોકારી ઉઠે છે. મોટા ગજાના બુટલેગરના નામ સામે આવી નથી રહ્યાં ત્યારે ડમી સિમકાર્ડન કારણે તે બેરોકટોક ધંધો કરી રહ્યાં છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી સિમેન્ટના મિક્ષર મશીનની આડમાં દારૂનો જંગી જથ્થો અમદાવાદના એસપી રિંગ રોડ પર આવવાનો છે. બાતમીના આધારે એસએમસીની ટીમે હિંમતનગર નજીક આવેલા પ્રાંતિજ ટોલનાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. સિમેન્ટના મિક્સર મશીને જેવું પ્રાંતિજ ટોલનાકા પાર કર્યું તેવું જ એસએમસીની ટીમે તેને કોર્ડન કરી લીધું હતું.

એસએમસીએ કન્ટેનર ખોલીને જોતાંની સાથે જ તેની આંખ પહોળી થઈ ગઈ હતી. કન્ટેનરની અંદર એકાદ બે નહીં પરંતુ ૧૧૮૫ દારૂની બોટલ હતી, જેની કિંમત ૪૪.૬ લાખ રૂપિયા થાય છે. એસએમસીએ કન્ટેનર ચલાવનાર કૈલાસ જાટિયા (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી છે, જ્યારે કન્ટેનરનું પાઈલટિંગ કરનાર મહેન્દ્ર ઉર્ફે જેકી ડાંગી અને રમણલાલ મીણાની પણ ધરપકડ કરી છે.

રાજસ્થાનના દારૂની સૌથી મોટા ઠેકેદાર સુનીલ દરજી અને ભરત ડાંગી છે. તેમણે દારૂનો જથ્થો સિમેન્ટના કન્ટેનરની આડમાં મોકલાવ્યો હતો. એસએમસીએ દારૂની બોટલો તેમજ બે વાહન સહિત કુલ ૬૯.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. એસએમસીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. સવાલ એ ઊભો થયો છે કે અમદાવાદના કયા બુટલેગરે દારૂ મંગાવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.