Western Times News

Gujarati News

ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના વિકાસ માટે ભારત સરકારે 6 લાખ કરોડ ફાળવ્યા : મનસુખ માંડવીયા

ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક : નીતિનભાઈ પટેલ

અમદાવાદ તા. 23 જૂન 2019 : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (જીસીએ) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત વાયબ્રન્ટ સમિટ, મશીનરી એક્ઝિબિશન એન્ડ એવોર્ડસ 2019ના મહત્વકાંક્ષી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મંત્રી શ્રી નાણા, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર, તથા ભારત સરકારના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા ( શિપીંગ (સ્વતંત્ર હવાલો) – રસાયણો અને ખાતર)ના હસ્તે કુલ સાત કેટેગરીમાં 28 એવોર્ડસ અને બે અન્ય એમ કુલ 30 એવોર્ડસ એનાયત કરવામાં આવ્યા હતાં. તેમજ જીસીએ દ્વારા નિર્મિત કોફી ટેબલ બુક ‘નિર્માણ – ધ રાઈસ ઓફ ગુજરાત’નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત એવોર્ડસ 2019 વિતરણ સમારંભમાં જણાવ્યું હતું કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું લક્ષ્ય છે કે, આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યને ફાટક મુક્ત બનાવવું. જે અંતર્ગત રાજ્યમાં જ્યાં પણ ફાટકો છે તેની ઊંચાઈ બને એટલી ઊંચી રાખવી.

શ્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો દ્વારકા, સોમનાથ, પાવાગઢ, ડાકોરને સ્પર્શતા તમામ હાઈવે ફોરલેન બનાવવાનું લક્ષ્યાંક છે. જેનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે. આગામી એક વર્ષમાં ભારત સરકારના સહયોગથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી માર્ગ સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના તમામ ગામોને વધારાના પાકા રસ્તા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખુબ મોટા બજેટની ફાળવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા 8000 કરોડનું બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ફાળવવામાં આવ્યું છે.

શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત મશીનરી એકઝિબિશનને ખૂબ જ વખાણ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતના કોન્ટ્રાકટર્સ દ્વારા અપનાવવામાં આવતી અદ્યતન ટેકનોલોજીના કારણે તેમને તો ફાયદો થાય છે, સાથોસાથ રાજ્ય સરકારને પણ તેનો લાભ મળે છે.ટેકનોલોજી અપગ્રેડેશનના કારણે ગુજરાતની સમૃધ્ધિમાં ખૂબ જ વધારો થયો છે.

ભારત સરકારના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આ પ્રસંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના સભ્યોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ‘આપણે સૌએ સાથે મળીને ભારતની વિકાસગાથાને આગળ ધપાવવાની છે. આગામી દસ વર્ષમા ગુજરાતના વિકાસ મોડલને લઈને સમગ્ર દેશમાં આગળ વધવાનું છે અને વિશ્વના વિકસિત દેશોની બરોબરીમાં ભારતને અગ્રસ્થાને લાવવાનું લક્ષ્યાંક આપણે સાથે મળીને સિધ્ધ કરવાનું છે.ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના

વિકાસ માટે ભારતની વર્તમાન સરકાર કટિબધ્ધ છે. ભારતના વિકાસ માટે પોર્ટ સેક્ટર, રોડ સેક્ટર, એરપોર્ટ સેક્ટર, હિમાલયન રેન્જમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની વિશેષ માંગ છે જેને પૂરી કરવા સરકારે 6 લાખ કરોડની ફાળવણી કરી છે, જે આગામી વર્ષોમાં વર્ષે 10 લાખ કરોડ સુધી લઈ જવાશે.નોટબંધી અને જીએસટીના કાયદાના અમલથી ભારતમાં આવકવેરો ભરનારાની સંખ્યામાં ચારગણો વધારો થયો છે. નોટબંધી અને જીએસટીના કાયદાના અમલ અગાઉ 3 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરતા હતાં, જ્યારે અત્યારે 13 કરોડ લોકો રિટર્ન ફાઈલ કરતાં થયા છે.’

આ પ્રસંગે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની પડખે હંમેશા ઊભી રહે છે અને આપણી મદદ હંમેશા કરી છે, તો આપણી ફરજ બને છે કે આપણે ઉચ્ચ ગુણવત્તાની ક્વોલિટીવાળા કામ સમયસર પૂરા કરી ગુજરાતનું નામ પૂરા વિશ્વમાં રોશન કરવું જોઈએ. ‘આપણા કોન્ટ્રાકટર્સ એસોસિએશનના સભ્યોની સંખ્યા વધતી જતી હોવાથી આગામી દિવસોમાં જીસીએ ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવશે. જેમાં અત્યાધુનિક લેબોરેટરી, કોન્ફરન્સ હોલ, ઓફિસ અને ગેસ્ટહાઉસ હશે.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિેએશનના તમામ સભ્યો નિત્તિમતાના ધોરણે કામ કરે છે, પરંતુ હવે આગામી સમયમાં વૈશ્વિક હરિફાઈ કરવા આપણે ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગથી આપણી આવડતને અપગ્રેડ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્ય સમયસર અને કિંમતમાં સસ્તા થાય તે માટે સજાગ બનવું પડશે.આપણે સૌ દેશની વિકાસશીલ જરૂરિયાતની પાયાની ધરોહર છીએ.’

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિેએશન દ્વારા આયોજિત એવોર્ડસ વિતરણ સમારંભમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ દિનેશચંદ્ર આર અગ્રવાલને એનાયત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.