Western Times News

Gujarati News

ધીરુભાઈ અંબાણીનું ઘરમાં મંદિર બનાવી પૂજા કરે છે ગોધરાના ખેડૂત પંકજભાઈ ગઢવી

૧૬ વર્ષથી પંકજભાઈએ પોતાના ઘરે મંદિર બનાવ્યું છે-પંકજ ગઢવી હાલ ખેતી અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપી પોતાના પરિવારનો નિર્વાહ કરે છે.

મનોમન પોતાની મહત્વકાંક્ષા માટે ધીરૂભાઇ અંબાણીનું મનમાં સ્મરણ કરી પ્રાર્થના કરી હતી, જે પ્રાર્થના ફળીબુદ્ધ થઈ હતી

ગોધરા,રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીના એક અનોખા ભક્ત છે. ધીરૂભાઈ અંબાણીની જન્મ જ્યંતીની ગોધરાના નસીરપુર ગામમાં રહેતાં ભક્ત પંકજ ગઢવીએ કેક કાપી ઉજવણી કરી હતી. આ સાથે ગામની શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ પણ કરી હતી. છેલ્લા ૧૬ વર્ષથી ધીરૂભાઇ અંબાણીને પોતાના જીવન આદર્શ માનતા પંકજભાઈ તેઓના ઘરે સ્વ ખર્ચે મંદિર બનાવી નિત્યક્રમ મુજબ ધીરૂભાઈ અંબાણીને ભગવાન તરીકે સ્વીકારી પૂજાપાઠ કરી રહ્યા છે અને ધીરૂભાઇની જન્મ જ્યંતી અને પુણ્યતિથિને પણ અચૂક યાદ કરી રહ્યા છે.

જીવનમાં આગળ વધવાની ખેવના સાથે મનુષ્ય કોઈ સફળ વ્યક્તિની જીવનશૈલીને પોતાના જીવનનો આદર્શ બનાવી તે પથ ઉપર આગળ વધે છે. એવી જ રીતે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામના યુવકે રિલાયન્સ કંપનીના સ્થાપક અને સફળ વ્યક્તિત્વ ધરાવતા સ્વ.ધીરુભાઈ અંબાણીને પોતાના જીવનનો આદર્શ બનાવ્યા છે. જીવનમાં સાહસ સાથે આગળ વધી કામયાબી પ્રાપ્ત કરવાની ધીરૂભાઈની જીવનશૈલી આ યુવક માટે પ્રેરણાદાયી બની છે.

છેલ્લા ૧૬ વર્ષથી પંકજભાઈ ગઢવી પોતાના ઘરે મંદિર બનાવી ધીરુભાઈ અંબાણીના ફોટાની સવાર સાંજ આસ્થાભેર પૂજા કરે છે. દેશના મહાન ઉધોગપતિની જીવન શૈલી આ યુવક માટે પ્રેરણાદાયી બની છે અને યુવક ભગવાનની જેમ આસ્થાભેર પૂજા કરી રહ્યો છે. જે બાબતનો તેનો પરિવાર પણ સ્વીકાર કરી રહ્યો છે. ગોધરા શહેરથી ૧૫ કિમી દૂર આવેલા નસીરપુર ગામમાં રહેતાં પંકજ ગઢવી હાલ ખેતી અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપી પોતાના પરિવારનો નિર્વાહ કરે છે.

પંકજ ભાઈ પોતાના અભ્યાસ કાળ દરમિયાન રિલાયન્સના આદ્ય સ્થાપક ધીરુભાઇ અંબાણીની જીવનશેલી આધારિત પુસ્તકોનું ખૂબ જ વાંચન કર્યુ છે. જે પોતાના માટે પ્રેરણાદાયી બન્યું છે. વર્ષ ૨૦૦૬માં પંકજભાઈના જણાવ્યા અનુસાર, મનોમન પોતાની મહત્વકાંક્ષા માટે ધીરૂભાઇ અંબાણીનું મનમાં સ્મરણ કરી પ્રાર્થના કરી હતી. જે પ્રાર્થના ફળીબુદ્ધ થઈ હતી. આ દિવસથી જ પંકજ ભાઈ ગઢવી ધીરુભાઈ અંબાણીને ભગવાન માની પૂજા કરી રહ્યા છે.

વર્ષ ૨૦૦૭માં પંકજભાઈએ પોતાના ખેતરમાં એક નાના મંદિરનું નિર્માણ કર્યું હતું અને ધીરૂભાઇ અંબાણીની તસવીરની સ્થાપના કરી દરરોજ સેવાપૂજા કરવાની શરૂઆત કરી હતી. જે આજે પણ અવિરતપણે જારી છે. પ્રથમ ખેતરમાં મંદિર બનાવ્યા બાદ હાલ પંકજભાઈએ પોતાના નિવાસસ્થાને જ મંદિર માટે હોલ બનાવ્યો છે જેમાં હાલ તસવીરની સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીના ભક્ત પંકજ ગઢવી દ્વારા ધીરુભાઈની જન્મ અને પુણ્યતિથિ પણ ઉજવવામાં આવે છે. જન્મદિને કેક કાપવામાં આવે છે.

જેમાં ગામની શાળાના બાળકો સહિત જોડાઇ રહ્યા છે. આ ઉપરાંત ભજન કિર્તનનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. પંકજ ગઢવી ધીરુભાઈ અંબાણીની જીવનશૈલીને અપનાવી રહ્યા અને તેઓ જણાવી રહ્યા છે કે, કઠિન કપરા સમયમાં કેવી રીતે આગળ વધવું જેનું આત્મબળ ધીરૂભાઇની જીવનશૈલી ઉપરથી માણસ શીખી શકે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.