Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો. દ્વારા ચંડોળા તળાવ દૈનિક 37 મિલિયન લીટર ટ્રીટેડ પાણીથી ભરવામાં આવશે

File

ચંડોળા તળાવની કેપેસીટી 4950 મિલિયન લીટર પાણીની છે જેમાંથી 37 મિલિયન લીટર ટ્રીટેડ પાણીથી ભરવામાં આવશે-તળાવ ભરવા માટે ઓછામાં ઓછા ૧૩૦ થી ૧૪૦ દિવસ જેટલો સમય લાગે તેમ છે

(દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક કાંકરિયા તળાવના નવ નિર્માણ બાદ શહેરના અનેક નાના મોટા તળાવ ડેવલપ કરવામાં આવ્યા છે પરંતુ કાંકરિયા જેવા બીજા એક ઐતિહાસિક ચંડોળા તળાવના વિકાસનું કામ ઘણા સમયથી અટકી પડયું હતું. રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ દાયકાથી આ તળાવના ડેવલપમેન્ટ માટે જાહેરાતો કરવામાં આવતી હતી પરંતુ હવે તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે

અને ટુંક સમયમાં જ ચંડોળા તળાવને નવા રૂપરંગ સાથે સજાવવામાં આવશે. ચંડોળા તળામાં નાગરિકો માટે અનેક પ્રકારના આકર્ષણો પણ તૈયાર કરવામાં આવશે ટ્રીટેડ વોટરથી ભરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ ડેવલપ કરવા માટે રૂ.ર૪ કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. એક સમયે શહેરના છેવાડે અથવા તો શહેરના પ્રવેશદ્વાર સમાન માનવામાં આવતા ચંડોળા તળાવના વિકાસ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન તળાવમાં પાણી ભરવાનો રહે છે.

સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીથી તળાવ ભરાય છે ત્યારબાદ તે લગભગ ખાલી જ રહે છે. તળાવ ડેવલપ કર્યા બાદ તેમાં બારેમાસ પાણી રહે તે જરૂરી છે. એક અંદાજ મુજબ ચંડોળા તળાવની કેપેસીટી ૪૯પ૦ મિલિયન લીટર પાણીની છે એક સાથે આટલા પાણીથી તળાવ ભરવા માટે નજીકમાં કોઈ જ સુવિધા નથી તેથી મલેકશાબાન સ્ટેડિયમ પાસે કરવામાં આવેલ ૩૦ એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૈજપુરના ૭ એમએલડી પ્લાન્ટના પાણીને ખારીકટ સબ કેનાલમાં ડ્રાયવર્ટ કરી ચંડોળા તળાવ ભરવા માટે વિચારણા ચાલી રહી છે.

આ બંને સ્થળેથી એક સબ કેનાલ સીધી ચંડોળા તળાવમાં આવે છે રાજય સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા સિવાય કેનાલમાંથી પાણી લેવામાં આવતુ નથી તેથી આ ટ્રીટેડ વોટરને કેનાલ મારફતે ચંડોળામાં છોડવામાં આવે તો પુર્ણ રીતે તળાવ ભરવા માટે ઓછામાં ઓછા ૧૩૦થી ૧૪૦ દિવસ જેટલો સમય લાગે તેમ છે

એક વખત તળાવ પૂર્ણ રીતે ભરાય જાય ત્યારબાદ ચોમાસાના પાણીનો પણ ઉપયોગ થઈ શકે તેમ છે. તળાવમાં હાલ સુએઝ વોટર પણ આવી રહયું છે જે લાઈનો દુર કરી કોર્પોરેશનની હયાત લાઈનો સાથે તેને જોડવામાં આવશે તેથી તે પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે તેવું માનવામાં આવી રહયું છે.

ચંડોળા તળાવના વિકાસની આ યોજના કુદરત આધારિત, પર્યાવરણલક્ષી અને લોકો ની રોજબરોજની જરૂરિયાતોને ધ્યાન માં રાખી વ્યાજબી ખર્ચમાં વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિક અભિગમ થી તૈયાર કરવામાં આવેલી આ યોજના અમદાવાદ શહેરની આબોહવા સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવશે. આ યોજનાના ભાગરૂપે

અહીં તળાવના તળિયે જમાં થયેલ કાંપને જરૂર પડ્‌યે તેટલા પ્રમાણમાં કાઢી કિનારીઓ પર વિસ્તારવું, જળસંગ્રહ વધારવો, વધારે પાણીને ખંભાતી કુવાઓ થકી જમીનમાં ઉતારવું અને આ દરમિયાન કિનારાઓ પર કરેલા રાઈપેરીઅન ઝોનના ઝાડપાન થકી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવશે. વધુમાં, તળાવની મધ્યમાં હાલના ટાપુ પર ફૂલોના છોડ વાવવામાં આવશે

જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ, ખાસ કરીને પક્ષીઓ માટે જૈવવિવિધ નિવાસસ્થાન બનાવશે. અમદાવાદની આસપાસનો વિસ્તાર પહેલેથી જ સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે નોંધપાત્ર વિસ્તાર હોવાથી, અન્ય ઘણા વિસ્તારોમાં જેમનો વસવાટ ઝડપથી સંકોચાઈ રહ્યો છે તેમના માટે આ વિસ્તાર એક આવકારદાયક રાહત બની રહેશે. આ પ્રોજેક્ટ માટે, તળાવની પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ કિનારે એક સહેલગાહ બનાવવામાં આવશે જે પડોશી વસ્તી માટે મુક્તિ અને મનોરંજનનું સાધન બને છે.

હાલના CPWD ગેસ્ટહાઉસ કમ્પાઉન્ડને પાર્ટીઓ, લગ્નો અને લોકોના અન્ય પ્રકારના વિશાળ મેળાવડા માટે રસોડું, જાહેર શૌચાલય, ઇવેન્ટ ચેન્જિંગ રૂમ અને કથિત ઇવેન્ટ માટે વિશાળ વાલ્ટ સ્ટ્રક્ચર સાથે ઇવેન્ટ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.