Western Times News

Gujarati News

અમદાવાદમાં ર૦ર૩ના વર્ષ દરમિયાન પાણીજન્ય રોગચાળાના કેસમાં ધરખમ વધારો

પ્રતિકાત્મક

લાંભા-વટવામાં સૌથી વધુ કેસ નોંધાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ર૦ર૩ના વર્ષ દરમિયાન પાણીજન્ય રોગચાળાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે જયારે ર૦રરની સરખામણીએ મચ્છરજન્ય રોગચાળામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.

શહેરમાં વર્ષ દરમિયાન ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી અને ડેન્ગ્યૂના કેસ મોટી સંખ્યામાં નોંધાયા છે જયારે પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ કોલેરાના કેસ પૂર્ણ થયેલ વર્ષ દરમિયાન નોંધાયા હતા.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ર૦ર૩ના પૂર્ણ થયેલ વર્ષ દરમિયાન કોલેરાના રોગચાળાએ કાળોકહેર વર્તાવ્યો હતો કોલેરાના ૯પ કેસ નોંધાયા હતા. શહેરના વટવા-રપ અને લાંભા-૧ર, રામોલ-હાથીજણ-૩ર કોલેરાના કેસ કન્ફર્મ થયા હતા. શહેરના પૂર્વ ઝોનમાં ૪૦ અને દક્ષિણ ઝોનમાં પર કેસ નોંધાયા હતાં આમ વર્ષ દરમિયાન કોલેરાના જે ૯પ કેસ કન્ફર્મ થયા હતાં તે પૈકી ૯ર કેસ માત્ર દક્ષિણ અને પૂર્વ ઝોનમાંથી જ કન્ફર્મ થયા છે તેવી રીતે ટાઈફોઈડના કેસ પણ મોટી સંખ્યામાં નોંધાયા હતાં.

ર૦ર૩ના વર્ષ દરમિયાન ટાઈફોઈડના ૪પ૦પ કન્ફર્મ થયા હતાં જે ર૦ર૧માં ર૧૧૬ અને ર૦રરમાં ૩૧૩૮ નોંધાયા હતાં. જયારે કમળાના ર૦૬૯ કેસ કન્ફર્મ થયા હતાં. શહેરના સરસપુર-રખિયાલ વોર્ડમાં ૮૬, બાપુનગરમાં ૬૪, કુબેરનગર-૬પ, અસારવા-૬૦, અમરાઈવાડી-૧૧૬, વટવા-૧૧૮ અને લાંભામાં ૧૩૭ કેસ કમળાના નોંધાયા હતાં. તેવી જ રીતે ઝાડા-ઉલ્ટીના ૭૧૦૧ કેસ કન્ફર્મ થયા હતાં.

ર૦ર૧ના વર્ષમાં ઝાડા-ઉલ્ટીના માત્ર ૩૬૧૦ અને ર૦રરમાં ૬૬૦૪ કેસ નોંધાયા હતાં. શહેરના અસારવા વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના ૧૧૩, જમાલપુર-૧૮૦, સરખેજ-૧૯૦, બાપુનગર-પ૦૪, સરસપુર-પ૪૪, અમરાઈવાડી-પ૦૦, ગોમતીપુર-૪૦૬, વટવા-૭૩૦, અને લાંભામાં ૪૮૦ કેસ નોંધાયા હતાં. વટવા અને લાંભામાં પાણીજન્ય રોગચાળાના મહત્તમ કેસ કન્ફર્મ થયા છે. લાંભામાં પાણીજન્ય રોગચાળાના ૧૪૮૭ જયારે લાંભામાં ૧૦૦૭ કેસ નોંધાયા હતા.

શહેરમાં ર૦રરની સરખામણીએ મચ્છરજન્ય રોગચાળામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ર૦રરમાં ડેન્ગ્યૂના રપ૩૮ કેસ નોંધાયા હતા જેની સામે ર૦ર૩માં ડેન્ગ્યૂના રપ૧પ કેસ કન્ફર્મ થયા છે. તેવી જ રીતે સાદા મેલેરિયાના ૧૧૮૩, ઝેરી મેલેરિયા ૧૪૬ અને ચીકનગુનીયાના પ૬ કેસ નોંધાયા છે.

શહેરના ગોમતીપુર વોર્ડમાં ડેન્ગ્યૂના ૧૧પ, રામોલ-૧પ૧, બહેરામપુરા-૧૧૦, લાંભા-૧પ૦, ગોતા-૧ર૩, ચાંદલોડિયા-૧ર૦ તેમજ સરખેજમાં ૧૧૪ કેસ નોંધાયા હતાં. જયારે ડેન્ગ્યૂના કારણે ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.