Western Times News

Gujarati News

ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધીનો રોડ ઝડપથી બનશેઃ મ્યુનિ. કમિશ્નર

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ.નાં મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત હાલ પૂર્વ કાંઠે શાહીબાગ ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીનાં કામને અગ્રતા અપાઇ છે, પરંતુ આગામી દિવસોમાં પશ્ચિમ કાંઠે સુભાષબ્રિજથી રેલ્વે ઓવરબ્રિજથી ગાંધીનગર સુધીનાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે.

મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને પત્રકારો સાથેની ઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વ કાંઠે અન્ય કોઇ સમસ્યા નહિ હોવાથી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ધમધમાટ ચાલી રહ્યો છે, હાલમાં ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ સહિતની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

જ્યારે પશ્ચિમમાં વાસણાથી વાડજ સુધીનો પ્રોજેક્ટ કાર્યરત થઇ ગયો છે, પરંતુ આગળ ગાંધીઆશ્રમનાં કારણે રિવરફ્રન્ટનો રોડ આગળ લઇ જઇ શકાશે નહિ. પરંતુ આગળ સુભાષબ્રિજથી રેલ્વે ઓવરબ્રિજ સુધીનો રોડ તૈયાર કરી દેવાયો છે અને સુભાષબ્રિજથી કેશવનગર થઇ તેમાં પ્રવેશ મેળવી શકાય છે. જોકે રેલ્વે ઓવરબ્રિજથી ટોરેન્ટ પાવર થઇ ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ આગામી સમયમાં ચાલુ કરવામાં આવશે.

તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનાં અમલીકરણથી પ્રાપ્ત થયેલી જમીનમાં પ્લોટીંગની કામગીરી અને તેનાં વેચાણ માટે આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આંતરરાષ્ટ્રીય ખરીદદારો રિવરફ્રન્ટ પ્રોજેક્ટનાં પ્લોટની તપાસ કરી ગયાં છે અને પ્લોટનાં વેચાણ માટે ડિસ્પોઝેબલ પોલીસી તથા માસ્ટર પ્લાન તૈયાર કરી રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટનાં વલ્લભસદન અને એનઆઇડી પાછળનાં પ્લોટ વેચાણ થશે ત્યારે ત્યાં એક જગ્યાએ કોમર્શિયલ અને અન્ય એક જગ્યાએ મિક્સ ડેવલપમેન્ટ પ્લાન અમલમાં મુકાય તેવી શક્યતા વધુ છે. એટલુ જ નહિ આ બન્ને પ્લોટમાં સાતની એફએસઆઇ મળશે, તેનાથી ગગનચુંબી ઇમારતના નિર્માણ થશે, જે રિવરફ્રન્ટ અને શહેરની શાનમાં વધારો કરશે.

મ્યુનિ.કમિશનરે વધુ માહિતી આપતાં કહ્યું કે, એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધીનાં રોડને ડેવલપ કરવાનો પ્રોજેક્ટ પણ પૂરઝડપે ચાલી રહ્યો છે અને રોડ પહોળો કરવા માટે આશરે ૨૦૦ જેટલી મિલકતો કપાતમાં લેવામાં આવી છે. તે પૈકી સરાણીયાવાસનાં મકાનો પણ કપાતમાં જતાં તેમને વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે ગરીબ આવાસ યોજનામાં સમાવવામાં આવ્યા છે. કમિશનરે એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીનાં રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મોટાભાગની કામગીરી વાઇબ્રન્ટ સમિટ પહેલાં પૂરી કરી લેવાશે તેવી આશા વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.