Western Times News

Gujarati News

રાજકોટ: ૧૦૦ રૂ. જેવી નજીવી બાબતે હત્યા

રાજકોટ, સોમવારે મોડી રાત્રે ૨૩ વર્ષીય સૂરજ ઠાકર નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકી પિતા તેમજ તેના બે પુત્રો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શનની કામગીરી કરાવવામાં આવી હતી.

સાથે જ આરોપીઓને કાયદાનું તેમના જ વિસ્તારમાં લઈ જઈને ભાન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માત્ર ૧૦૦ રૂપિયાની નજીવી બાબતમાં ગેરકાયદે વ્યાજના ગોરખધંધા સાથે સંકળાયેલા કમલેશ ગોસાઈ તેમજ તેના બંને પુત્રો જીગર ગોસાઈ અને દેવ ગોસાઈ દ્વારા ઠાકર પરિવારના વ્યક્તિઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટનામાં ૨૩ વર્ષીય સૂરજ ઠાકરનું મોત નીપજ્યું હતું. જ્યારે કે તેની માતા સુનિતા ઠાકરને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

તેમજ સમગ્ર મામલે જીગર ગોસાઈ નામના આરોપી દ્વારા ઠાકર પરિવારના સભ્યો વિરુદ્ધ વળતી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. રાજકોટ શહેરમાં સોમવારની રાત્રે માત્ર ૧૦૦ રૂપરડીમાં હત્યાનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં સામેલ આરોપી પિતા પુત્રો સહિત કુલ ત્રણ વ્યક્તિઓની ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીગ્રામ પોલીસ દ્વારા કમલેશ ગોસાઈ તેમજ તેના દીકરા જયદેવ ગોસાઈ અને જીગર ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે. ૨૩ વર્ષીય સૂરજ ઠાકર નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકીને સોમવારે રોજ મોડી રાત્રે જીવંતીકા નગર લાખના બંગલા પાસે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં મૃતકની માતા સુનીતા ઠાકર દીકરાને છોડાવવા વચ્ચે પડતા તેને પણ લાકડાના ધોકા વડે માથા સહિતના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે.

વ્યાજે આપેલ પૈસા બાબતની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડામાં સુરજ ઠાકરની હત્યા કમલેશ ગોસાઈ તેમજ તેના પુત્રો જીગર ગોસાઈ અને જયદેવ ગોસાઈ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ત્રણેય પિતા પુત્ર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૧૧૪ તેમજ લેન્ડર્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

સામા પક્ષે હત્યા તેમજ હત્યાની કોશિશના બનાવમાં સામેલ જીગર ગોસાઈ (ઉવ.૨૧)ની ફરિયાદ પરથી તેજસ ઠાકર તેમજ તેના બે પુત્ર સૂરજ અને મિહિર તેમજ પત્ની સુનિતા ઠાકર અને તેજસ ઠાકરના બનેવી મેહુલ પુજારા અને એક અજાણી સ્ત્રી વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમ હેઠળ વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

૨૧ વર્ષીય મિહિર ઠાકર નામના વ્યક્તિ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મૃતક સુરજ ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેમજ એક વર્ષ પૂર્વે તેને પ્રીતિ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એકાદ મહિના પૂર્વે ફરિયાદીના પિતા તેજસ ઠાકરને પૈસાની જરૂરિયાત પડતા તેને પોતાના મિત્ર કમલેશ ગોસાઈ પાસેથી ?૨૦,૦૦૦ વ્યાજ પર લીધા હતા.

જેના વ્યાજ પેટે દરરોજ ૨૦૦ રૂપિયા ચૂકવવાના હતા. દરમિયાન ફુવા મેહુલ પુજારાને પણ પૈસાની જરૂરિયાત પડતા તેજસ ઠાકર દ્વારા પોતાની જવાબદારી પર ૧૦ એક દિવસ પૂર્વે કમલેશ ગોસાઈ પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા અપાવવામાં આવ્યા હતા.

દરમિયાન સોમવારના રોજ તેજસ ઠાકર તેમજ તેના બનેવી મેહુલ પુજારા કમલેશ ગોસાઈને ૧૦,૦૦૦ રૂપિયા પરત આપવા ગયા હતા. તે દરમિયાન કમલેશ ગોસાઈએ આજનું વ્યાજ પણ આપવું પડશે તેમ કહી માથાકૂટ કરી હતી તેમજ બે ત્રણ ઝાપટો પણ મારી હતી.

ત્યાર બાદ મિહિર તેમજ તેનો ભાઈ સૂરજ ઠાકર એક્ટિવા લઈને ૨૦,૦૦૦ રૂપિયા પરત આપવા ખોડીયાર પાન ખાતે ગયા હતા. ત્યારે કમલેશ ગોસાઈનો દીકરો જીગર ગોસાઈ ત્યાં બેઠો હતો. થોડીવારમાં કમલેશ ગોસાઈ તેમજ તેનો મોટો દીકરો જયદેવ ગોસાઈ પણ તે આવ્યા હતા. ત્યારે મૃતકની માતા સુનિતા ઠાકર દ્વારા કમલેશ ગોસાઈને કહેવામાં આવ્યું હતું કે તમે વગર કારણે મારા પતિ સાથે ઝઘડો કરીને તેને માર માર્યો છે અમારે તમારા પૈસા નથી જોતા.

ત્યારે કમલેશ ગોસાઈ અને તેના બંને પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને જીગર દ્વારા પોતાની પાસે રાખવામાં આવેલ છરી વડે સૂરજને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ કમલેશ અને તેના દીકરા જયદેવ દ્વારા લાકડાના ધોકા વડે સુનિતા ઠાકરને પણ માર માર્યો હતો. દરમિયાન ફરિયાદી દ્વારા દેકારો કરવામાં આવતા ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ સારવાર અર્થે માતા પુત્રને સરકારી હોસ્પિટલમાં લાવતા સુરજ ઠાકરને મૃત જાહેર કરેલ છે, જ્યારે કે સુનીતા ઠાકરને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલી છે.

સમગ્ર ઘટનામાં આરોપી જીગર ગોસાઈને પણ માથા સહિતના ભાગે ઈજા પહોંચી છે. જેથી તેની તબીબી સારવાર પૂર્ણ થતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.